11 September, 2024 12:07 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ટ્રેનના ડ્રાઇવરે બ્રેક ન મારી હોત તો...
બિહારના મોતીહારીમાં આત્મહત્યા કરવા ગયેલી એક વિદ્યાર્થિનીને કારણે હોબાળો મચ્યો હતો. બાપૂધામ મોતીહારીથી લોકલ ટ્રેન પાટલીપુત્ર જતી હતી. એવામાં પાવર હાઉસ પાસે એક વિદ્યાર્થિની બૅગ લઈને ટ્રૅક પર સૂઈ ગઈ હતી. જોકે દૂરથી ડ્રાઇવરે તેને જોઈ લીધી અને ટ્રેન રોકી લીધી હતી. એન્જિનમાંથી ઊતરીને ડ્રાઇવરે તેને ટ્રૅક પરથી ઊભી થઈ જવા કહ્યું, પણ છોકરી ત્યાંથી ખસી જ નહીં. એ ટ્રેનમાંથી મુસાફરો પણ નીચે ઊતરી આવ્યા, પણ એટલામાં તેને શોધતા પરિવારજનો પણ ત્યાં આવી પહોંચ્યા. પરિવારજનો તેને લઈ જતા હતા, પણ છોકરીને ઘરે જવું જ નહોતું. ક્યાંય સુધી આ ડ્રામા ચાલ્યો. પછી છેવટે ઘરની મહિલાઓએ તેને બળજબરીથી ટ્રૅક પરથી દૂર કરી અને ટ્રેન આગળ વધી શકી.