છ બાળકો અને પતિને છોડીને ૩૬ વર્ષની સ્ત્રી ભિખારી સાથે ભાગી ગઈ

08 January, 2025 02:47 PM IST  |  Lucknow | Gujarati Mid-day Correspondent

ઉત્તર પ્રદેશમાં હરદોઈ જિલ્લાના હરપાલપુરમાં રાજેશ્વરી નામની ૩૬ વર્ષની એક સ્ત્રી પોતાના પતિ અને છ બાળકોને છોડીને ૪૫ વર્ષના નન્હે પંડિત નામના એક ભિખારી સાથે ભાગી ગઈ છે.

ઇલસ્ટ્રેશન

ઉત્તર પ્રદેશમાં હરદોઈ જિલ્લાના હરપાલપુરમાં રાજેશ્વરી નામની ૩૬ વર્ષની એક સ્ત્રી પોતાના પતિ અને છ બાળકોને છોડીને ૪૫ વર્ષના નન્હે પંડિત નામના એક ભિખારી સાથે ભાગી ગઈ છે. સ્ત્રીના પતિ રાજુએ તે ભિખારી વિરુદ્ધ અપહરણની ફરિયાદ હરપાલપુર પોલીસ-સ્ટેશનમાં નોંધાવી છે.

૪૫ વર્ષના પતિ રાજુએ પોલીસ-ફરિયાદમાં જણાવ્યું હતું કે ‘નન્હે પંડિત નામનો ભિખારી અમારી આડોશપાડોશમાં ભીખ માગવા આવતો અને રાજેશ્વરી સાથે વાતો કરતો. તેઓ ફોન પર પણ એકબીજાના સંપર્કમાં હતાં. ત્રીજી જાન્યુઆરીએ રાજેશ્વરી મોટી દીકરીને બજારમાંથી શાક લઈને આવું છું એમ કહીને ગઈ હતી અને પાછી આવી નહોતી. ભેંસ વેચીને મળેલા પૈસા પણ તે પોતાની સાથે લઈ ગઈ છે. મને શક છે કે નન્હે પંડિત તેને પોતાની સાથે લઈ ગયો છે.’

પોલીસે ભારતીય ન્યાયસંહિતાની કલમ ૮૭ હેઠળ ફરિયાદ નોંધી છે. આ કલમ અનુસાર જે માણસ કોઈ પણ સ્ત્રીને જબરદસ્તી, ગેરકાનૂની રીતે પોતાની સાથે લઈ જાય, અપહરણ કરે અને તેની સાથે બળજબરીથી લગ્ન કરવાનું કે સંબંધ બાંધવાનું દબાણ કરે તો તેને ૧૦ વર્ષની સજા અને દંડ કરવામાં આવે છે.

સિનિયર પોલીસ-ઑફિસર શિલ્પા કુમારીએ જણાવ્યું હતું કે ‘રાજેશ્વરીની ભાળ પોલીસે મેળવી લીધી છે, હવે તેનું સ્ટેટમેન્ટ રેકૉર્ડ કરવામાં આવશે. પોલીસ નન્હે પંડિતની શોધ ચલાવી રહી છે.’

uttar pradesh national news news offbeat news social media