યુટ્યુબ પર અંગ્રેજી શીખવતાં આ ગામડિયણ મૅડમ સોશ્યલ મીડિયામાં છવાઈ ગયાં છે

28 November, 2023 12:02 PM IST  |  Uttar Pradesh | Gujarati Mid-day Correspondent

ઉત્તર પ્રદેશના કૌસાંબી જિલ્લાના અંતરિયાળ ગામમાં રહેતી યશોદા લોઢી બારમા ધોરણ સુધી ભણી છે, પરંતુ યુટ્યુબ પર તે લોકોને અંગ્રેજી શીખવે છે અને તેની ચૅનલને ભારે સફળતા મળી છે.

યશોદા લોઢી

એક દહાડિયા મજૂરની પત્ની આજકાલ યુટ્યુબ પર ફેમસ છે. ઉત્તર પ્રદેશના કૌસાંબી જિલ્લાના અંતરિયાળ ગામમાં રહેતી યશોદા લોઢી બારમા ધોરણ સુધી ભણી છે, પરંતુ યુટ્યુબ પર તે લોકોને અંગ્રેજી શીખવે છે અને તેની ચૅનલને ભારે સફળતા મળી છે. યશોદા લોઢીની ચૅનલનું નામ છે ઇંગ્લિશ વિથ દેહાતી મૅડમ. તેની ચૅનલને પોણાત્રણ લાખ જેટલા સબસ્ક્રાઇર્સ મળ્યા છે અને અત્યાર સુધી તે ૩૦૦થી વધુ વિડિયો અપલોડ કરી ચૂકી છે. તેના વિડિયોમાં અંગ્રેજી ભાષા શીખવવાના પાઠ ઉપરાંત તેના ફૅમિલી મેમ્બરનાં તથા ગામના વાતાવરણનાં દૃશ્યો પણ જોવા મળે છે. 
યશોદા લોઢીને આ પ્રકારની ચૅનલ શરૂ કરવાનું મન કઈ રીતે થયું અને તેને દેહાતી મૅડમ શા માટે કહેવામાં આવે છે એની પાછળ પણ રસપ્રદ વાતો છે. હકીકતમાં યશોદા લોઢી જ્યારે ૧૧મા ધોરણમાં ભણતી હતી ત્યારે ટીચરે તેને અંગ્રેજીમાં અમુક વાર વાક્યો બોલવાનું કહ્યું, પરંતુ તે બોલી નહોતી શકી અને ક્લાસના અન્ય વિદ્યાર્થીઓ તેના પર હસતા હતા. એથી યશોદાને લાગ્યું કે મારે ગમે તેમ કરીને અંગ્રેજી ભણવું છે. દેહાતી એટલે આપણે જેને ગામડિયણ કહીએ છીએ એ. યશોદા ખરેખર ઉત્તર પ્રદેશના નાના ગામમાંથી જ આવે છે, પરંતુ તે કહે છે કે વ્યક્તિ ગામડિયણ દેખાતી હોય તો પણ તે અંગ્રેજી ન બોલી શકે એવું નથી. આજે યશોદા લોઢીની ચૅનલ લોકપ્રિય છે અને એમાંથી તેને ઘણી આવક થતી હશે. યશોદાના વિડિયો જોઈને ગામડામાં રહેનારા લોકો જ નહીં, શહેરના લોકો પણ અને મેટ્રોસિટીમાં રહેતા લોકો પણ અંગ્રેજી શીખવાની પ્રેરણા મેળવે છે. યશોદા કહે છે કે મારા વિડિયો જોઈને વિદેશમાં પણ લોકો અંગ્રેજી શીખી રહ્યા છે. 

youtube social media uttar pradesh offbeat news