12 November, 2024 04:26 PM IST | Lucknow | Gujarati Mid-day Correspondent
રામવીર સિંહ
ઉત્તર પ્રદેશના બરેલી શહેરના રામવીર સિંહ આમ તો પત્રકાર હતા, પણ એક દિવસ તેમને ખબર પડી કે મિત્રના કાકાને કૅન્સર થયું છે અને રસાયણવાળી શાકભાજી ખાવાથી થયું છે. બસ ત્યારથી નક્કી કરી લીધું કે મારા પરિવારને રોગ થાય એવી શાકભાજી નહીં ખાવા દઉં. પત્રકારની નોકરી છોડીને બરેલીથી ૪૦ કિલોમીટર દૂર પોતાના ફાર્મમાં જૈવિક ખેતી શરૂ કરી દીધી. ૨૦૧૭-’૧૮માં દુબઈ જઈને હાઇડ્રોપોનિક્સ ખેતી શીખી આવ્યા. આ રીતે ખેતી કરવામાં માટી પણ ઓછી જોઈતી હોય છે અને જંતુનાશકોની પણ ઓછી જરૂર પડે છે. પાણીની પણ ૮૦ ટકા જેટલી બચત થાય છે. એ પછી બે અઠવાડિયાં ખેતી શીખ્યા. દુબઈથી પાછા આવીને ૩ માળના મકાનને હાઇડ્રોપોનિક્સ ફાર્મ બનાવી દીધું. પાઇપ અને અન્ય સાધનોની મદદથી બાલ્કનીઓ અને ખુલ્લી જગ્યામાં હાઇડ્રોપોનિક્સ સિસ્ટમથી ખેતી શરૂ કરી દીધી. ૭૫૦ ચોરસ મીટરના ફાર્મમાં ભીંડા, મરચાં, શિમલા મરચાં, દૂધી, ટમેટાં, ફ્લાવર, પાલક, કોબી, સ્ટ્રૉબેરી, મેથી અને લીલા વટાણા સહિતના ૧૦,૦૦૦થી વધુ છોડ ઉગાડ્યા છે અને વર્ષે ૭૦ લાખ રૂપિયા કમાય છે. ઋતુફળના પાક માટે પણ રામવીર સિંહ આ જ પદ્ધતિનો ઉપયોગ કરે છે. તેમનું કહેવું છે કે પીવીસી પાઇપથી બનેલી પદ્ધતિમાં ગુરુત્વાકર્ષણથી પાણી પૂરું પડાય છે. વહેતા પાણીમાં મૅગ્નેશિયમ, તાંબું, ફૉસ્ફરસ, નાઇટ્રોજન, જસત જેવાં પોષક તત્ત્વો ઉમેરવામાં આવે છે.