29 September, 2024 03:57 PM IST | Lucknow | Gujarati Mid-day Correspondent
મરણપથારીએ પડેલી પત્નીને લઈને પતિ રૂપિયા ઉપાડવા બૅન્કમાં પહોંચ્યો
ઉત્તર પ્રદેશના હરદોઈની આ વિચિત્ર ઘટના છે. રમુઆપુરના ભૈયાલાલનાં પત્ની રામશ્રી કેટલાય દિવસોથી બીમાર હતાં. હરદોઈની ખાનગી હૉસ્પિટલમાંથી તેમને લખનઉ લઈ જવા કહ્યું હતું, પણ ભૈયાલાલ બેભાન જેવી થઈ ગયેલી પત્નીને લઈને ગામડે જતા રહ્યા હતા. રામશ્રીના ખાતામાં ૪૯,૦૦૦ રૂપિયા હતા એટલે બીજા દિવસે એવી જ હાલતમાં રામશ્રીને લઈને તે ભડાયલ ગામની પંજાબ નૅશનલ બૅન્કમાં રૂપિયા ઉપાડવા પહોંચ્યા હતા. ભૈયાલાલે પત્નીને કારમાં બેસાડીને બૅન્કમાં જઈને વાત કરી એટલે મૅનેજરે બે કર્મચારીને રામશ્રીનો અંગૂઠો લેવા મોકલ્યા પણ તે બેભાન હોવાથી બૅન્કે પૈસા આપવાની ના પાડી દીધી અને થોડી વારમાં જ રામશ્રી ગુજરી ગયાં એટલે ભૈયાલાલે બૅન્ક પર આળ મૂક્યું કે કર્મચારીઓ મોડા પહોંચ્યા એમાં પત્ની મૃત્યુ પામી. હોબાળો મચ્યો એટલે પોલીસ બોલાવવી પડી. જોકે તપાસમાં ખબર પડી કે રામશ્રી તો કારમાં જ મૃત્યુ પામ્યાં હતાં. મગજની નસ ફાટી જવાથી મૃત્યુ થયાનું પોસ્ટમૉર્ટમમાં જાણવા મળ્યું હતું.