ભેંસ ચોરાયાની ફરિયાદ નોંધવા પોલીસે ભેંસનું આધાર કાર્ડ માગ્યું

26 October, 2024 03:06 PM IST  |  Lucknow | Gujarati Mid-day Correspondent

કંટાળીને યુવાન સુપરિન્ટેન્ડન્ટ ઑફ પોલીસ (SP)ને દરમ્યાનગીરી કરવા કહ્યું

પ્રતીકાત્મક તસવીર

ઓળખના પુરાવા તરીકે આધાર કાર્ડ બહુ જ મહત્ત્વનો પુરાવો થઈ ગયું છે પણ ઉત્તર પ્રદેશના હરદોઈમાં પોલીસે ભેંસનું આધાર કાર્ડ માગવાની જીદ પકડી હતી. બન્યું એવું કે એક ગામના રંજિત નામના યુવાને ઘર પાસે તબેલો બનાવ્યો હતો અને એમાં ભેંસ બાંધી હતી. ૨૦ ઑક્ટોબરે કોઈ તેની ભેંસ ચોરી ગયું હતું. શોધખોળ કરી પણ ક્યાંયથી ભેંસની ભાળ ન મળી એટલે રંજિત પોલીસ સ્ટેશન પહોંચ્યો અને ભેંસ ચોરાઈ ગઈ છે એવી ફરિયાદ લખવા કહ્યું. પોલીસે તેની પાસે ભેંસનું આધાર કાર્ડ માગ્યું. આ સાંભળીને રંજિતને આશ્ચર્ય થયું, પણ પોલીસે જીદ કરી કે ભેંસનું આધાર કાર્ડ હશે તો જ ફરિયાદ નોંધાશે. કંટાળીને યુવાન સુપરિન્ટેન્ડન્ટ ઑફ પોલીસ (SP)ને દરમ્યાનગીરી કરવા કહ્યું. SPએ તપાસનો આદેશ આપ્યો ત્યારે પોલીસ ફરી ગઈ અને આવા કોઈ પુરાવા માગ્યા જ ન હોવાનું કહ્યું હતું.

Aadhaar uttar pradesh offbeat news national news