02 December, 2024 03:44 PM IST | Lucknow | Gujarati Mid-day Correspondent
ફેરા ફરતાં પહેલાં ૧૧ ગરીબ બાળકોને દત્તક લેવાનો અને તેમને ભણાવવાનો સંકલ્પ કર્યો
લગ્નને યાદગાર બનાવવા વરરાજા હૅલિકોપ્ટરમાં આવે કે કન્યા પર ડ્રોનથી ફૂલો વરસાવે એવું જાતજાતનું લોકો કરતા હોય છે, પણ ઉત્તર પ્રદેશમાં કાનપુર દેહાત નામના જિલ્લાના સિકંદરા નામના નગરની દીક્ષા યાદવે સમાજમાં દાખલો બેસે એમ પોતાનાં લગ્ન યાદગાર બનાવ્યાં છે. તેણે લીધેલા સંકલ્પમાં પતિએ પણ હોંશે-હોંશે સૂર પુરાવ્યો છે. સ્વયંસેવી સંસ્થા ચલાવતી દીક્ષા યાદવ અને તેના પતિએ ફેરા ફરતાં પહેલાં ૧૧ ગરીબ બાળકોને દત્તક લેવાનો અને તેમને ભણાવવાનો સંકલ્પ કર્યો છે. નવદંપતીએ એ બાળકોને લગ્નમાં બોલાવ્યાં અને સાથે ફોટો પણ પડાવ્યો હતો. દીક્ષાનું કહેવું છે કે ‘સમાજમાં આપણે હંમેશાં પોતાને માટે અને પોતાના લોકો માટે જ વિચારતા હોઈએ છીએ, પણ કેટલાક લોકોને પાયાની સુવિધા પણ નથી મળતી. આપણે લખલૂટ રૂપિયા વાપરીએ છીએ પણ એમાંથી થોડા રૂપિયા આ વંચિતો માટે વાપરીએ તો એ લોકો વંચિત ન રહે. એવું વિચારીને જ અમે આ સંકલ્પ લીધો છે. અમારા મતે લગ્ન એ માત્ર સંબંધ નથી, સમાજને શ્રેષ્ઠ બનાવવાની તક પણ છે.’