ઇઝરાયલનું મશીન ફરીથી યુવાન બનાવશે એમ કહીને લોકો પાસેથી ૩૫ કરોડ રૂપિયા તફડાવી લીધા

24 September, 2024 09:42 AM IST  |  Lucknow | Gujarati Mid-day Correspondent

આ દંપતીએ શરત પણ કરી હતી કે એક વર્ષમાં ૩.૫૦ લાખના ૫.૬૦ લાખ રૂપિયા પાછા આપશે.

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય મિડજર્ની

ઉંમર વધે એ કોઈને ગમતું નથી, પરંતુ એને કોઈ રોકી શકતું નથી. આ વાત જાણવા છતાં લોકો છેતરાય છે. ઉત્તર પ્રદેશના કાનપુરમાં આવી જ એક છેતરપિંડીનો અનેક લોકો ભોગ બન્યા છે. ઇઝરાયલથી ૨૫ કરોડમાં વધતી ઉંમર ઘટાડવાનું મશીન મગાવ્યું હોવાનું કહીને દંપતીએ અનેક લોકોના લાખો રૂપિયા પડાવ્યા છે. રેણુ સિંહ ચંદેલે રાજીવ કુમાર દુબે અને તેની પત્ની રશ્મિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. રાજીવ અને રશ્મિ એ મશીનથી ઑક્સિજન થેરપી દ્વારા લોકોને વૃદ્ધમાંથી યુવાન બનાવવાની લાલચ આપતાં હતાં. રેણુ સિંહે પોલીસને કહ્યું હતું કે આ મશીનમાં એકસાથે દસ જણ બેસી શકે છે અને એ માટે મેમ્બર બનાવો તો દંપતીએ ડિસ્કાઉન્ટ આપવાની વાત પણ કરી હતી. પોતે દંપતીની વાતમાં ભોળવાઈ ગયાં અને એક આઇડીના ૬ હજાર પ્રમાણે ૧૫૦ આઇડીના ૯ લાખ અને વેપાર વધારવા માટે ૩.૫૦ લાખ આપ્યા હતા. આ દંપતીએ શરત પણ કરી હતી કે એક વર્ષમાં ૩.૫૦ લાખના ૫.૬૦ લાખ રૂપિયા પાછા આપશે. જોકે પછી એવું કાંઈ થયું નહીં એટલે રેણુ સિંહે પોલીસ-ફરિયાદ નોંધાવી હતી.

offbeat news uttar pradesh Crime News israel beauty tips national news