10 January, 2025 10:58 AM IST | Bulandshahr | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ઉત્તર પ્રદેશના બુલંદશહરની એક મહિલાએ પોલીસમાં ફરિયાદ કરી છે કે મારા પતિના બે મિત્રો પતિની પરવાનગીથી જ મારા પર છેલ્લાં ત્રણ વર્ષથી બળાત્કાર કરી રહ્યા છે. મહિલાએ ફરિયાદમાં એમ પણ કહ્યું છે કે મારો પતિ સાઉદી અરેબિયામાં છે, પણ હવે હું પ્રેગ્નન્ટ થઈ છું અને મને એક મહિનાનો ગર્ભ છે. પાંત્રીસ વર્ષની આ મહિલાએ કહ્યું છે કે મારી સાથે જાતીય સંબંધો બાંધવા દેવા બદલ પતિના મિત્રો તેને (પતિને) પૈસા પણ આપી રહ્યા છે. મહિલાનું કહેવું છે કે બન્ને મિત્રો સમાગમની પ્રક્રિયા રેકૉર્ડ કરતા હતા અને મારો પતિ એનો વિડિયો સાઉદી અરેબિયામાં બેસીને જોતો હતો.
આ મહિલાનો પતિ સાઉદી અરેબિયામાં ઑટોમોબાઇલ મેકૅનિક છે અને વર્ષે એક કે બે વાર ઘરે આવે છે. તેમનાં લગ્ન ૨૦૧૦માં થયાં હતાં અને તેમને ચાર બાળકો છે. મહિલાએ ફરિયાદમાં કહ્યું છે કે ત્રણ વર્ષ પહેલાં મારો પતિ ઘરે આવ્યો હતો ત્યારે તેણે પહેલી વાર તેના મિત્રોને મારા પર બળાત્કાર કરવા દીધો હતો અને ત્યાર પછી આ સિલસિલો ચાલુ જ રહ્યો હતો. મહિલાનું કહેવું છે કે હું મારાં બાળકો ખાતર ચૂપ રહી હતી, કારણ કે પતિએ મને તલાક આપવાની ધમકી આપી હતી. છેલ્લે જ્યારે આ મહિલાનો પતિ ઘરે આવ્યો ત્યારે બન્ને વચ્ચે કોઈ વાતે ઝઘડો થયો હતો અને ત્યાર બાદ મહિલાએ હિંમત ભેગી કરીને પતિનાં કરતૂતનો પર્દાફાશ કરવાનું નક્કી કર્યું હતું.