૨૦૨૫ના વર્ષ સુધી ભારતમાં ભૂગર્ભ જળ ખૂટી જશે : જો જાગીશું નહીં તો મોટું જળસંકટ રાહ જોઈ રહ્યું છે

28 October, 2023 09:15 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

સમગ્ર ઉત્તર-પશ્ચિમ ક્ષેત્રમાં ૨૦૨૫ના વર્ષ સુધી ઘણી ઓછી ભૂગર્ભ જળની ઉપલબ્ધતાનું ગંભીર સંકટ હોવાની આશંકા છે

ફાઇલ તસવીર

યુએનના નવા રિપોર્ટ મુજબ ભારતમાં સિંધુ-ગંગાના મેદાનના કેટલાક વિસ્તારો ઑલરેડી ભૂગર્ભ જળના ઘટાડાની નિર્ણાયક મર્યાદાને પાર કરી ચૂક્યા છે અને સમગ્ર ઉત્તર-પશ્ચિમ ક્ષેત્રમાં ૨૦૨૫ના વર્ષ સુધી ઘણી ઓછી ભૂગર્ભ જળની ઉપલબ્ધતાનું ગંભીર સંકટ હોવાની આશંકા છે.

યુનાઇટેડ નેશન્સ યુનિવર્સિટી-ઇન્સ્ટિટ્યૂટ ફૉર એન્વાયર્નમેન્ટ ઍન્ડ હ્યુમન સિક્યૉરિટી (યુએનયુ-એચએસ) દ્વારા પ્રકાશિત રિપોર્ટ ‘ઇન્ટરકનેક્ટેડ ડિઝૅસ્ટર રિસ્ક રિપોર્ટ 2023’ દ્વારા એ બાબતનો નિર્દેશ અપાયો છે કે વિશ્વ પર્યાવરણની દૃષ્ટિએ ૬ મહત્ત્વપૂર્ણ ટિપિંગ પૉઇન્ટ્સની નજીક પહોંચ્યું છે; જેમાં ઝડપી લુપ્તતા, ભૂગર્ભજ ળની અછત, પર્વતીય ગ્લૅશિયરનું પીગળવું, અવકાશનો ભંગાર, અસહ્ય ગરમી અને અનિશ્ચિત ભવિષ્યનો સમાવેશ થાય છે.

પર્યાવરણીય રીતે આત્યંતિક બિંદુઓ પૃથ્વીની પ્રણાલીઓમાં નિર્ણાયક સીમાઓ છે જેની બહાર અચાનક અને ઘણી વાર બદલી ન શકાય એવા ફેરફાર થાય છે, જેને લીધે ઇકોસિસ્ટમ્સ, આબોહવાની પૅટર્ન અને એકંદર પર્યાવરણમાં વિનાશકારી ફેરફાર થાય છે. લગભગ ૭૦ ટકા ભૂગર્ભ જળના નિકાલનો ઉપયોગ ખેતી માટે થાય છે, જ્યારે જમીન પરના પાણીના સ્રોતો અપૂરતા હોય છે. દુષ્કાળને કારણે થતા કૃષિ-નુકસાનને ઘટાડવામાં આ ભૂગર્ભ જળ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. ક્લાઇમેટ ચેન્જને કારણે આ પડકાર વધુ ખરાબ થવાની આશંકા છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ‘ભારત વિશ્વમાં ભૂગર્ભ જળનો સૌથી મોટો વપરાશકાર છે, જે અમેરિકા અને ચીનના સંયુક્ત ઉપયોગ કરતાં વધુ છે. ભારતનો ઉત્તર-પશ્ચિમ વિસ્તાર દેશની ૧.૪ અબજની વધતી જતી વસ્તી માટે ‘બ્રેડ બાસ્કેટ’ તરીકે કામ કરે છે, જેમાં પંજાબ અને હરિયાણા રાજ્યો દેશના કુલ ચોખાનું ૫૦ ટકા અને કુલ ઘઉંનું ૮૫ ટકા ઉત્પાદન કરે છે. પંજાબમાં ૭૮ ટકા કૂવા અતિશય શોષિત માનવામાં આવે છે અને સમગ્ર ઉત્તર-પશ્ચિમ પ્રદેશમાં ૨૦૨૫ સુધી ભૂગર્ભ જળની ઉપલબ્ધતા અત્યંત નીચી રહેવાનો અંદાજ છે, એવું રિપોર્ટમાં જણાવાયું છે.

united nations india offbeat news national news