12 April, 2023 12:20 PM IST | Paris | Gujarati Mid-day Correspondent
ફેસેલ વેગા એચકે ૫૦૦ કાર
કાર કે બાઇક જેમ જૂની થાય એમ એની કિંમતમાં ઘટાડો થાય, પરંતુ કેટલીક કાર જેને વિન્ટેજનો સિક્કો લાગી ગયો હોય એ કાર જેમ જૂની થાય એમ એની કિંમત વધારે રહે. ફ્રાન્સની ફેસેલ વેગા એચકે ૫૦૦ કાર જે છેલ્લાં ૪૭ વર્ષથી ગૅરેજમાં પડી હતી. હવે આ કાર મોટી કિંમતે વેચાશે. નવાઈની વાત એ છે કે યુકેની માર્કેટમાં કંપનીએ જે ૯૬ મૉડલ બનાવ્યાં હતાં એમાંનું આ એક છે.
હાલ લેફ્ટ હૅન્ડ ડ્રાઇવનું ૧૯૬૧નું મૉડલ ૫૯,૦૦૦ પાઉન્ડ (અંદાજે ૬૦ લાખ)માં, તો ૧૯૫૯નું મૉડલ ૫૨,૦૦૦ પાઉન્ડ (અંદાજે ૫૩ લાખ રૂપિયા)માં મળે છે, પરંતુ ૧૯૬૪ના આ મૉડલ માટે ૨,૯૩,૭૪૫ પાઉન્ડ (અંદાજે ૩ કરોડ રૂપિયા) ખર્ચવા પડશે. ૧૯૬૨નું આવું જ મૉડલ થોડું સસ્તું છે જે ૨,૨૭,૦૦૦ પાઉન્ડ (અંદાજે ૨.૩ કરોડ રૂપિયા)માં મળશે. નૉર્થ વેલ્સની એક ગૅરેજમાં આ કાર ૪૭ વર્ષ સુધી પડી રહી હતી.
આ પણ વાંચો : દુબઈમાં કારની નંબર-પ્લેટ માટે હરાજીમાં ચૂકવ્યા ૧૨૨ કરોડ
હવે ડર્બીશરમાં એની હરાજી થશે. કારમાં કરવામાં આવેલો બ્લુ કલર પણ યથાવત્ છે. કાર-નિષ્ણાતના મતે આ એક રત્ન સમાન છે. મૂળ ૧૯૫૮માં લૉન્ચ કરવામાં આવેલી આ કાર ફેરારી અને એસ્ટન માર્ટિન સાથે સ્પર્ધા કરવા માટે બનાવવામાં આવી હતી. એ સમયની ઘણી હસ્તીઓની ગૅરેજમાં આ કાર હતી. એ સમયે સૌથી ઝડપી કારમાંની એ એક હતી.
આ કાર કંપનીની સ્થાપના ૧૯૩૯માં પૅરિસમાં કરવામાં આવી હતી. ૧૯૫૪માં એણે પોતાનું પહેલું મૉડલ બહાર પાડ્યું હતું. એ પહેલાં એ અન્ય કાર બ્રૅન્ડ માટે બૉડી પૅનલ્સ અને બૉડી બનાવવાનું કામ કરતી હતી. ફ્રેન્ચ કંપની ફડચામાં જતાં ૧૯૬૪માં એને તાળાં મારી દેવામાં આવ્યાં હતાં. કંપનીએ કુલ ૨૯૦૦ કાર બનાવી હતી.