16 December, 2022 12:05 PM IST | London | Gujarati Mid-day Correspondent
રોષે ભરાયેલા સૅન્ટા
ક્રિસમસ નજીક આવી રહી છે અને બાળકોને ગિફ્ટ પહોંચાડવા સૅન્ટા ક્લૉઝ પણ શેરીઓમાં નીકળી પડ્યા છે. જોકે આ વખતે સૅન્ટા બનેલા ૭૫ વર્ષના મિક વૉરેલે તેમના ખાસ વાહનની પાર્કિંગ ટિકિટનો ચાર્જ ચૂકવવો પડે એમ છે. વાત જાણે એમ છે કે સૅન્ટા પોતાના વાહન સાથે રાહદારીઓ માટેની ફુટપાથ પર ગાડી હંકારી રહ્યા હોવાથી ટ્રાફિક-વૉર્ડને તેમને દંડ ફટકાર્યો હતો. રોષે ભરાયેલા સૅન્ટાએ ક્રિસમસ પર બાળકોને ખુશ કરવા સૅન્ટા બન્યા હોવાથી આ દંડની પાવતી નૉર્થ પોલમાં સૅન્ટાના નામે મોકલવા કહ્યું હતું.
‘ચિકન મિક’ના હુલામણા નામે ઓળખાતા મિક વૉરેલનું કહેવું છે કે આ મુદ્દે જો કોર્ટમાં જવું પડે તો પણ તેઓ સૅન્ટાના ગેટઅપમાં જઈને પોતાના પક્ષે રજૂઆત કરવા તૈયાર છે. ટ્રાફિક-વૉર્ડને તેમને દંડ ફટકાર્યો ત્યારે તેઓ ગુસ્સામાં બૂમબરાડા પાડી રહ્યા હોવાનું ઘટના જોનાર સાક્ષીએ કહ્યું હતું.
સૅન્ટાએ કહ્યું કે હું ન્યુ હોપ વર્સેસ્ટર ચિલ્ડ્રન્સ ચૅરિટી માટે ભેટ એકઠી કરી રહ્યો હતો. આ સંસ્થા જેમનાં બાળકો વિકલાંગ હોય અને તેમને આરોગ્યસંભાળની તાતી જરૂરિયાત હોય એવા પરિવારને મદદ કરે છે. આ આખી ઘટનાનો વિડિયો ૧૨ વર્ષના જૅક ફૉક્સે ઉતાર્યો હતો, જેણે ટ્રાફિક-વૉર્ડનને પણ સૅન્ટા સારું કામ કરી રહ્યો હોવાથી તેને દંડ ન કરવા વિનંતી કરી હતી.