30 June, 2023 08:45 AM IST | Washington | Gujarati Mid-day Correspondent
અમેરિકાના બે પાઇલટ
અમેરિકાના બે પાઇલટે ૪૮ કલાકમાં ૪૮ રાજ્યનો પ્રવાસ કરીને નવો વર્લ્ડ રેકૉર્ડ બનાવવાનો પ્રયાસ કર્યો છે. આ બન્ને ઓહાયોમાં આવેલી બાઉલિંગ ગ્રીન સ્ટેટ યુનિવર્સિટીના (બીજીએસયુ) ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ છે. વળી તેમની પાસે કમર્શિયલ યુદ્ધવિમાન ઉડાડવાનો ૭૦ વર્ષથી વધુનો સંયુક્ત અનુભવ છે. બેરી બેહનફેલ્ડ ૧૯૮૩માં, તો કો-પાઇલટ એરોન વિલ્સન ૨૦૦૪માં આ કૉલેજમાં હતા. તેમનો ઉદ્દેશ ૪૮ કલાક કરતાં ઓછા સમયમાં આ સિદ્ધિ હાંસલ કરવાનો હતો એથી તેમણે તેમના આ પ્રયાસને 48&48 નામ આપ્યું હતું. તેમણે ૪૪ કલાક અને ૧૬ મિનિટમાં ૫૦૦૦ માઇલનો ટ્રૅક પૂરો કર્યો હતો. ગિનેસ બુક ઑફ વર્લ્ડ રેકૉર્ડ્સ દ્વારા તેમના આ રેકૉર્ડની હાલમાં ચકાસણી ચાલી રહી છે.
ડેલ્ટા ઍરલાઇન્સના કૅપ્ટન અને યુએસ નેવી ટૉપ ગનના નિવૃત્ત કૅપ્ટન બેરી બેહનફેલ્ડે કહ્યું કે ‘કેટલાકને આશ્ચર્ય પણ થયું હતું કે અમે શું કરી રહ્યા છીએ, પરંતુ અમે લોકો પાઇલટ બને એમાં રસ પેદા કરવાનો પ્રયાસ કર્યો હતો. અમે જ્યારે આ યોજના બનાવી હતી ત્યારે જો હવામાન પ્રતિકૂળ હોય ન હોય તો અમને અંદાજે ૩૯ કલાક અને ૫૭ મિનટ લાગશે એવો અંદાજ હતો. અમારી ગણતરી દરેક ઍરપોર્ટ પર ૧૦ મિનિટના સ્ટૉપની હતી, જ્યાં ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ બનાવવા માટે જરૂરી હાજરીને પ્રમાણિત કરવાની હતી. વળી પાંચ સ્થળોએ ઈંધણ માટે સ્ટૉપ લેવાનો હતો, જેમાં અંદાજે ૨૦ મિનિટ લાગવાની હતી.’
એરોન વિલ્સન શરૂઆતમાં આ રેકૉર્ડની યોજનામાં જોડાવા તૈયાર નહોતા, પરંતુ બેહનફેલ્ડ પૂરતી તૈયારી સાથે આવ્યા હતા.