બે મિત્રએ મેળામાં ટૅટૂ કરાવ્યું તો બન્નેની HIV ટેસ્ટ પૉઝિટિવ આવી

22 November, 2024 02:13 PM IST  |  Azamgarh | Gujarati Mid-day Correspondent

ઇન્ફેક્ટેડ સિરિન્જ, લોહી કે સલાઇવા (લાળ)ના સંપર્કમાં આવવાથી આવું થઈ શકે છે, પણ ટૅટૂ કરાવવાથી ચેપ લાગ્યાની શક્યતા પણ નકારી ન શકાય, એવું ડૉક્ટરે કહ્યું હતું

પ્રતીકાત્મક તસવીર

ઉત્તર પ્રદેશના આઝમગઢમાં બે મિત્ર એક વર્ષ પહેલાં દશેરાનો મેળો જોવા ગયા હતા. બન્નેએ મેળામાં એક સ્ટૉલ પર ટૅટૂ કરાવ્યું હતું. થોડા દિવસ પછી એક યુવાનને પેટમાં દુખાવો શરૂ થયો. તબિયત વધુ બગડી એટલે તે ડૉક્ટર પાસે ગયો. તપાસ કરી તો પેટમાં પથરી નીકળી. ડૉક્ટરે ઑપરેશન કરાવવા કહ્યું. એ માટે જુદી-જુદી ટેસ્ટ કરાવી એમાં હ્યુમન ઇમ્યુનોડેફિશ્યન્સી વાઇરસ (HIV) પૉઝિટિવ હોવાની ખબર પડી. રિપોર્ટ જોઈને યુવાન ચોંકી ગયો. HIV થવા પાછળના કારણ વિશે તેણે ડૉક્ટરને વાત કરી ત્યારે એક વર્ષ પહેલાં ટૅટૂ કરાવ્યું હતું એ યાદ આવ્યું એટલે તેણે તેના મિત્રને પણ ટેસ્ટ કરાવવા કહ્યું. એ મિત્રની HIV ટેસ્ટ પણ પૉઝિટિવ આવી. હવે બન્નેની સારવાર ચાલી રહી છે. ઇન્ફેક્ટેડ સિરિન્જ, લોહી કે સલાઇવા (લાળ)ના સંપર્કમાં આવવાથી આવું થઈ શકે છે, પણ ટૅટૂ કરાવવાથી ચેપ લાગ્યાની શક્યતા પણ નકારી ન શકાય, એવું ડૉક્ટરે કહ્યું હતું. મેળાના ટૅટૂ-આર્ટિસ્ટ સ્વાસ્થ્ય-સુરક્ષા માટે તકેદારી રાખતા નથી એટલે ચેપ લાગ્યો હશે.

uttar pradesh offbeat news international news