04 August, 2023 11:55 AM IST | Washington | Gujarati Mid-day Correspondent
ડૉક્યુમેન્ટરી ફોટોગ્રાફર એલી હમ્બી અને ફિઝિશ્યન અને લેક્ચરર સૅન્ડી હૅઝલિપ
Friendship Day 2023: ૮૧ વર્ષની ઉંમરે આપણે ત્યાં લોકો મોટા ભાગે બહાર જવાનું ટાળે પરંતુ અમેરિકામાં રહેતી બે સિનિયર સિટિઝન મહિલા મિત્રોએ સાબિત કરી આપ્યું કે સાહસને ઉંમરનો કોઈ બાધ હોતો નથી. ડૉક્યુમેન્ટરી ફોટોગ્રાફર એલી હમ્બી અને ફિઝિશ્યન અને લેક્ચરર સૅન્ડી હૅઝલિપે ૮૦ દિવસમાં સમગ્ર વિશ્વનો પ્રવાસ કર્યો, જેમાં આગરાના તાજમહલનો સમાવેશ થાય છે. આ પ્રવાસના આયોજન વિશે સૅન્ડી હૅઝલિપે કહ્યું હતું કે ૮૦ વર્ષનાં થવાનાં હતાં એનાં ચાર વર્ષ પહેલાં એલીને કહ્યું કે આપણે ૮૦ વર્ષની ઉંમરે ૮૦ દિવસમાં વિશ્વની સફર કરીએ તો મજા આવશે. તેમણે લંડન, ઝનીબાર, ઝામ્બિયા, નેપાલ, બાલી અને ભારતનો પ્રવાસ કરવાનું નક્કી કર્યું હતું. આ બન્નેએ જ્યારે તાજમહલની મુલાકાત લીધી ત્યારના તેમના ફોટો વિશે વાત કરતાં કહ્યું હતું કે ‘આ ફોટો અમારા ગાઇડ અનિલે પાડ્યો હતો, જે એક સારો ફોટોગ્રાફર છે. તાજમહલ નજીક એવું કંઈ પાણી નહોતું. તેણે અમારી પાણીની બૉટલમાંથી એક કપ પાણી માર્બલ ફ્લોર પર નાખ્યું. તેને ખબર હતી કે પ્રકાશ પાણીના પ્રતિબિંબ માટે યોગ્ય હતો. તેણે એવા ઍન્ગલથી ફોટો પાડ્યો કે જાણે કોઈ તળાવ હોય. પરંતુ પાણી માત્ર ૧૫ ઇંચ વિસ્તારમાં જ ફેલાયેલું હતું.’
આ બન્ને રિક્ષામાં બેસીને જૂની દિલ્હીમાં ફરવા પણ ગયાં હતાં. ખરેખર તેઓ જ્યારે ૮૦ વર્ષનાં થયાં હતાં ત્યારે જ આ પ્રવાસ કરવાનાં હતાં પરંતુ કોવિડને કારણે તેમની યોજના લંબાઈ ગઈ હતી. પ્રવાસ દરમ્યાન તેઓ અનેક લોકોને મળ્યાં. હવે સમગ્ર દુનિયામાં તેમના મિત્રો (Friendship Day 2023) છે.