ટ્રાન્સફૉર્મર્સ ફિલ્મનો અનોખો ચાહક, જેની પાસે છે રેકૉર્ડ બ્રેકિંગ કલેક્શન

15 June, 2023 11:30 AM IST  |  California | Gujarati Mid-day Correspondent

અમેરિકાના કૅલિફૉનિર્યામાં એજે આર્ડ નામક આઇટી ટેક્નિશ્યન ટ્રાન્સફૉર્મર્સ ફિલ્મનો આવો જ ચાહક છે

એજે આર્ડ

હૉલીવુડની ફિલ્મ થિયેટરમાં જેટલો બિઝનેસ કરે એટલો કે ઘણી વખત એના કરતાં પણ વધુ બિઝનેસ એ ફિલ્મનાં પાત્રો તેમ જ અન્ય વસ્તુઓને સંબંધિત મર્ચન્ડાઇઝના વેચાણમાંથી પણ કરતી હોય છે. વળી કોની પાસે ફિલ્મની આવી યાદગાર વસ્તુઓનું કલેક્શન છે એની સ્પર્ધા પણ ચાહકો વચ્ચે થાય છે. અમેરિકાના કૅલિફૉનિર્યામાં એજે આર્ડ નામક આઇટી ટેક્નિશ્યન ટ્રાન્સફૉર્મર્સ ફિલ્મનો આવો જ ચાહક છે. તેણે આ ફિલ્મ માટે પોતાની રીતે કેટલાંક પાત્રોની રેપ્લિકા પણ બનાવી છે. તે એવી આશા રાખે છે કે પ્રોડ્યુસરો આ પાત્રોને એમની ફિલ્મમાં સ્થાન આપશે.

‘ટ્રાન્સફૉર્મર્સ - રાઇઝ ઑફ ધ બીસ્ટ સિરીઝ’ની નવી ફિલ્મ તાજેતરમાં બૉક્સ-ઑફિસ પર ઘણી સારી ચાલી રહી છે.  ટિકિટબારી પર કેટલી સફળ થશે એ તો પછી ખબર પડશે, પણ એજે આર્ડ માટે તો આ ફિલ્મ હંમેશા એક વિનર જ છે. એજે આર્ડ પાસે આ ફિલ્મ સાથે સંકળાયેલી ૫,૧૫૦ યાદગાર વસ્તુઓ છે. વળી ગર્વથી તે આ વસ્તુઓને બતાવે પણ છે. ૨૦૧૭માં કુલ ૧,૩૧૩ વસ્તુઓ સાથે તેણે એક રેકૉર્ડનું ટાઇટલ પણ મેળવ્યું હતું. જોકે એ જ વર્ષે યુકેના લુઇસ જ્યૉર્જિયો પાસે આ ફિલ્મની ૨,૧૧૧ વસ્તુઓ હતી. તેથી આ રેકૉર્ડ તેની પાસે જતો રહ્યો હતો. એજે આર્ડે ૨૦૧૮માં ૩,૬૨૬ વસ્તુઓ સાથે આ રેકૉર્ડ પાછો મેળવ્યો છે. તેઓ માત્ર છ વર્ષના હતા ત્યારથી આ વસ્તુઓનો સંગ્રહ કરવાનું શરૂ કર્યું હતું. ૧૯૮૪માં ટ્રાન્સફૉર્મર્સ સિરીઝનો પહેલો એપિસોડ આવ્યો ત્યારથી તે એના ચાહક બન્યા હતા. તેમના મામાએ પહેલું ટ્રાન્સફૉર્મર્સનું ટૉય અપાવ્યું હતું. હાલ તેની પાસે સૌથી કીમતી વસ્તુઓમાં હસલેબ યુનિકૉર્ન, જેની કિંમત ૧,૦૦૦ ડૉલર અંદાજે ૮૨ હજાર રૂપિયા તેમ જ જી૧ મેટલ હૉક, જેની કિંમત ૨,૦૦૦ ડૉલર અંદાજે ૧.૬૪ લાખ રૂપિયાની છે. 

united states of america california offbeat news international news