11 October, 2024 06:06 PM IST | Uttar Pradesh | Gujarati Mid-day Correspondent
શુભમ
ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં એક યુવકે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. સામાન્ય રીતે આત્મહત્યા માટે ગૃહક્લેશ કે પ્રેમ કે પછી દેવું થઈ જવું જેવાં કારણ હોય છે, પણ આ યુવકના આપઘાત માટે વીજવિભાગ જવાબદાર બન્યો છે. કુશલપુરના મજૂરીકામ કરતા પરિવારના ૩૫ વર્ષના શુભમના ઘરમાં બે બલ્બ, એક પંખો અને એક ટીવી છે. એક કિલોવૉટનું વીજ-કનેક્શન છે તો પણ તેને એક લાખ રૂપિયાથી વધુનું બિલ આવ્યું હતું. આટલું બિલ આવી જ ન શકે એવું સમજાવવા તેણે વીજકંપનીની ઑફિસમાં બહુ ધક્કા ખાધા, પણ બિલની રકમ ઓછી નહોતી થઈ. બુધવારે સવારે શુભમ ક્યાંય ન મળ્યો એટલે તપાસ કરી તો ઘર પાસે આવેલી ભૂસાની ઓરડીમાં ફાંસો ખાધેલો તેનો મૃતદેહ મળ્યો હતો. શુભમના પિતા મહાદેવભાઈએ પોલીસને કહ્યું કે ગયા મહિને ૧,૦૯,૦૨૧ રૂપિયાનું બિલ આવ્યું હતું. ધક્કા ખાધા પછી ૧૬,૦૦૦ રૂપિયા ભરવા પડ્યા હતા. પછી ફરીથી ૮૦૦૦ રૂપિયા બાકી હોવાનું બિલ મોકલ્યું હતું.