11 February, 2025 01:17 PM IST | Indore | Gujarati Mid-day Correspondent
૨૩ વર્ષની પરિણીતા જૈન
મધ્ય પ્રદેશમાં એક હૃદયદ્રાવક ઘટના બની છે. ઇન્દોરમાં રહેતી ૨૩ વર્ષની પરિણીતા જૈન પોતાની કઝિનના લગ્નપ્રસંગમાં સહભાગી થઈ હતી. લગ્ન નિમિત્તે હલ્દીના પ્રસંગમાં પરિણીતા જ્યારે સ્ટેજ પર ડાન્સ કરતી હતી ત્યારે અચાનક ઢળી પડી હતી અને કાર્ડિઍક અરેસ્ટ આવતાં તેનું મૃત્યુ થયું હતું. મધ્ય પ્રદેશમાં રિસૉર્ટમાં લગ્ન નિમિત્તે હલ્દી ફંક્શનમાં ૨૦૦ મહેમાનો સામે બૉલીવુડ-સૉન્ગ ‘લેહરાકે બલખાકે’ પર ગ્રીન ટિશ્યુની સાડીમાં ડાન્સ કરતી હતી ત્યારે અચાનક સ્ટેજ પર ઢળી પડીને બેભાન થઈ ગઈ હતી. એ પ્રસંગમાં હાજર સ્વજનોમાંથી એક ડૉક્ટરે કાર્ડિયોપલ્મનરી રિસસિટેશન (CPR) આપવાની કોશિશ કરી હતી પણ તેણે કોઈ રિસ્પૉન્સ આપ્યો નહોતો. એ પછી તેને હૉસ્પિટલ લઈ જવાઈ હતી, પણ ડૉક્ટરોએ તેને મૃત્યુ પામેલી જાહેર કરી હતી. લગ્નની ખુશીઓ ભરેલો માહોલ માતમમાં ફેરવાઈ ગયો હતો. MBA પરિણીતા ઇન્દોરમાં માતા-પિતા સાથે રહેતી હતી. જોકે એવી માહિતી પણ મળી હતી કે તેના નાના ભાઈનું પણ ૧૨ વર્ષની ઉંમરે હાર્ટ-અટૅકથી મૃત્યુ થયું હતું.