22 June, 2021 11:59 AM IST | California | Gujarati Mid-day Correspondent
ફલિસિટી
અમેરિકાના કૅલિફૉર્નિયા સ્ટેટમાં ફલિસિટી નામનું નગર છે. આ નગરની ત્રણ સૌથી મોટી વિશેષતા છે. એક, એમાં માત્ર બે જણ રહે છે. હા, નગરમાં વસ્તીગણતરી જેવું કંઈ હોય જ નહીં, કારણ કે એમાં તેના સ્થાપક તથા મેયર જૅક-આન્દ્રે ઇસ્ટેલ અને તેમનાં પત્ની ફેલિસિયા સિવાય બીજું કોઈ નથી રહેતું. ઇસ્ટેલે આ નગરનું નામ પત્ની ફેલિસિયા પરથી પાડ્યું છે.
બીજું, ૧૯૪૦ના દાયકાના બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન આ નગરનો ઉપયોગ અમેરિકી સૈનિકોની તાલીમ માટે થયો હતો. ત્રીજું, કૅલિફૉર્નિયાની કાઉન્ટી (સત્તાધીશો) અને ફ્રાન્સની સરકાર આ નગરને ‘વિશ્વનું કેન્દ્રસ્થાન’ ગણે છે. ફેલિસિટીનો વિસ્તાર ૨૬૦૦ એકર છે અને સમુદ્રની સપાટીથી એ ૨૮૫ ફુટ ઉપર છે. ઇસ્ટેલે ૧૯૫૦માં આ સ્થળે જમીન પાણીના ભાવે ખરીદી હતી અને પછી પોતાના પૅરૅશૂટના બિઝનેસને વેચીને છેક ૧૯૮૦ના દાયકામાં આ નગરનું ડેવલપમેન્ટ શરૂ કર્યું હતું. ૨૧ ફુટ ઊંચો પથ્થર, પિરામિડ અને મ્યુઝિયમ આ નગરનાં જોવાલાયક મુખ્ય સ્થળોમાં ગણાય છે. અહીં મહેમાનો અને પ્રવાસીઓને આવવા દેવાય છે, પરંતુ રહેવાસી તો માત્ર આ યુગલ (જૅક-આન્દ્રે ઇસ્ટેલ અને પત્ની ફેલિસિયા) જ છે.