06 May, 2023 08:25 AM IST | Honolulu | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
કોઈ પણ સ્થળે પહોંચવા માટે પહેલાં લોકો પાનના ગલ્લા કે કિરાણા સ્ટોર્સનો આશરો લેતા હતા, પણ જ્યારથી વિશ્વ ટચૂકડા મોબાઇલમાં સમાઈ ગયું છે ત્યારથી હવે કોઈ પણ સ્થળ સુધી પહોંચવા માટે જીપીએસ લોકેશનનો સહારો લેવામાં આવે છે. જોકે દરેક વખતે જીપીએસ લોકેશન સાચો માર્ગ બતાવે એ જરૂરી નથી હોતું. ઘણી વાર લોકેશન સમજવામાં થયેલી ભૂલને કારણે એક ખોટો વળાંક તમને કોઈ અન્ય સ્થળે પહોંચાડી શકે છે.
તાજેતરમાં આવી એક ઘટનાનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો હતો, જેમાં બે ટૂરિસ્ટો જીપીએસ લોકેશનના સહારે હવાઈના કૈલુઆ-કોનામાં, હોનોકોહાઉ હાર્બરમાં પહોંચી ગયા બાદ તેમને પાણીમાં ડૂબી રહેલી વૅનમાંથી રેસ્ક્યુ કરવા સેઇલબોટ ક્રૂએ રાહતકાર્ય કરવું પડ્યું હતું.
ઘટનાના ક્રિસ્ટી હચિન્સન દ્વારા લેવાયેલા વિડિયોમાં જોઈ શકાય છે કે સેઇલબોટ ક્રૂ ડ્રાઇવર અને પૅસેન્જરને ઈજાગ્રસ્ત થયા વિના બચાવવાની કોશિશ કરી રહ્યા છે. રેસ્ક્યુ ક્રૂએ ટૂરિસ્ટ્સની વૅનને દોરડાથી બાંધીને ખેંચી લેવાની કોશિશ કરી હતી, પરંતુ એ પાણીમાં સરકી ગઈ હતી.