ઉઠાવગીરોને શરમમાં નાખવા દુકાનદારે શરૂ કરી વૉલ ઑફ શેમ

21 April, 2023 12:30 PM IST  |  London | Gujarati Mid-day Correspondent

દુકાનમાંથી થતી ઉઠાંતરી તો ઓછી થઈ ગઈ છે, પણ લોકો સામાનની ચોરી કરતાં પહેલાં વિચારે છે અને ઘણી વાર તો દરવાજા સુધી પહોંચ્યા બાદ પાછા આવીને પૈસા ચૂકવી જાય છે

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)

શૉપમાંથી ચોરી કરતા ઉઠાઉગીરોને ઉઘાડા પાડતાં સીસીટીવી કૅમેરાનાં ફુટેજનો પુરાવો હોવા છતાં પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતાં યુકેના ફાર્મસી મૅનેજરે આગવી નીતિ અપનાવતાં દુકાનમાં ‘વૉલ ઑફ શેમ’ બનાવી છે.  

ઇંગ્લૅન્ડના બર્મિંગહૅમના સૉલ્ટલી શહેરમાંના પાક ફાર્મસીના મૅનેજર વ્હાસુફ ફારુકે અવારનવાર દુકાનમાંથી ઉઠાંતરી કરતા ચોરોને અટકાવવા માટે અને તેમને શરમમાં નાખવા માટે ‘વૉલ ઑફ શેમ’ તૈયાર કરી છે. આ વૉલે બર્મિંગહૅમના રહેવાસીઓ ઉપરાંત સમગ્ર વિશ્વના  સોશ્યલ મીડિયા યુઝર્સનું ધ્યાન આકર્ષિત કર્યું છે. 

આ વૉલ પર કથિત ઉઠાઉગીર તરીકે લગભગ ૧૬ વ્યક્તિના ફોટોગ્રાફ મૂકવામાં આવ્યા છે. વ્હાસુફ ફારુકના મતે તેની આ ટ્રિક ઘણી કામ લાગી છે. દુકાનમાંથી થતી ઉઠાંતરી તો ઓછી થઈ ગઈ છે, પણ લોકો સામાનની ચોરી કરતાં પહેલાં વિચારે છે અને ઘણી વાર તો દરવાજા સુધી પહોંચ્યા બાદ પાછા આવીને પૈસા ચૂકવી જાય છે. આ ઉપરાંત દુકાનમાં આવતા ગ્રાહકો પણ વૉલ ઑફ શેમ પરના ફોટોમાંના વ્યક્તિને ઓળખી કાઢે છે અને એ કોણ છે તથા ક્યાં રહે છે એ જણાવી દે છે.

offbeat news united kingdom london international news