03 May, 2023 12:36 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ઇન્ડિયન ફૉરેસ્ટ ઑફિસર સુશાંતા નંદાએ એક વિડિયો શૅર કરીને કહ્યું કે જંગલમાં હાથીના ટોળાને વાઘ પહેલાં જવા દે છે. વિડિયોમાં વાઘ જતો હોય છે અને અચાનક કંઈક હલચલ થાય છે.
વાઘ ભલે શક્તિશાળી પ્રાણી હોય, પણ એ હાથી સાથે પંગો લેવાનું પસંદ કરતો નથી. ઇન્ડિયન ફૉરેસ્ટ ઑફિસર સુશાંતા નંદાએ એક વિડિયો શૅર કરીને કહ્યું કે જંગલમાં હાથીના ટોળાને વાઘ પહેલાં જવા દે છે. વિડિયોમાં વાઘ જતો હોય છે અને અચાનક કંઈક હલચલ થાય છે. નજીક ઝાડીઓમાંથી હાથીઓને જુએ છે અને તરત જ્યાં હતો ત્યાં બેસી જાય છે. હાથીનું ટોળું પસાર થવાની રાહ જુએ છે. ટોળું ધીમે-ધીમે આગળ વધે છે, તેઓ વાઘને જુએ પણ છે, પરંતુ એમને એની કોઈ ફિકર નથી. વિડિયોની કૅપ્શનમાં લખ્યું હતું કે આ રીતે પ્રાણીઓ વાતચીત કરે છે અને સંવાદિતા જાળવી રાખે છે. હાથીની ગંધ આવી જતાં જંગલનો રાજા એના ટોળાને પહેલાં રસ્તો આપી દે છે. આ વિડિયોને જોઈને અનેક કમેન્ટ આવી છે. એક યુઝરે લખ્યું કે શક્તિશાળી વાઘ પણ ધરતી પરના સૌથી મોટા સસ્તન પ્રાણીને યોગ્ય રીતે આદર આપે છે. જંગલમાં વાઘ સામાન્ય રીતે હરણ, વાંદરા અને ભૂંડ જેવાં પ્રાણીનો શિકાર કરે છે. વાઘે પુખ્ત વયના હાથીનો શિકાર કર્યો હોય એવા કિસ્સા ક્યારેય સાંભળ્યા નથી.