ચીનમાં એક વ્યક્તિ પતંગની દોર સાથે ૧૦૦ ફુટ ઊડ્યો

04 April, 2023 11:25 AM IST  |  Beijing | Gujarati Mid-day Correspondent

‘ન્યુ યૉર્ક’ પોસ્ટ દ્વારા ટ‍્વિટર પર આ વિડિયો શૅર કરવામાં આવ્યો હતો.

ચીનમાં એક વ્યક્તિ પતંગની દોર સાથે ૧૦૦ ફુટ ઊડ્યો

આકાશમાં પતંગ સાથે ઊડવું એ વાત સપના જેવી છે, પણ તાજેતરમાં વાઇરલ થયેલા એક વિડિયોમાં પતંગની દોરી સાથે એક વ્યક્તિ જમીનથી અંદાજે ૧૦૦ ફુટ ઊંચે જાય છે. આ અશક્ય લાગતી ઘટના ચીનના તાંગશાન શહેરમાં બની હતી. ‘ન્યુ યૉર્ક’ પોસ્ટ દ્વારા ટ‍્વિટર પર આ વિડિયો શૅર કરવામાં આવ્યો હતો. આ વિડિયો રેકૉર્ડ કરનાર વ્યક્તિ તાઓએ કહ્યું કે ‘મારા મિત્રએ પતંગ સાથે ઊડવાનું પસંદ કર્યું. પતંગની દોરી કેવલરમાંથી બનાવવામાં આવી હતી અને પૂરતાં સલામતીનાં પગલાં પણ લેવામાં આવ્યાં હતં. જોકે માત્ર પ્રોફેશનલ લોકોએ જ આ રમત રમવાની હિંમત કરવી જોઈએ.’ 

પતંગની ​દુકાન ધરાવતા તાઓએ જણાવ્યું કે કેવલર પતંગની દોરી પર આ રીતે ઊંચે જવામાં જોખમ નથી. ડિસેમ્બર ૨૦૨૧માં શ્રીલંકાનો આવો જ એક વિડિયો વાઇરલ થયો હતો, જેમાં એક યુવક મોટી પતંગ ઉડાડવાનો પ્રયાસ કરતો હતો, જેને શણના દોરડાથી બાંધવામાં આવ્યો હતો. એ દરમ્યાન જોરથી પવન ફૂંકાતા પતંગે કાબૂ ગુમાવ્યો અને તે થોડો ઊંચે ગયો હતો. પછી તેને નાની-મોટી ઈજા થઈ હતી. 

offbeat news viral videos china international news beijing