સૌથી નાની ઉંમરની યોગ ઇન્સ્ટ્રક્ટર બની આ સ્કૂલગર્લ

11 March, 2023 10:27 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પ્રાણવી માત્ર સાડાત્રણ વર્ષની હતી ત્યારથી તેની મમ્મીને ઘરે યોગની પ્રૅક્ટિસ કરતી જોતી હતી

સૌથી નાની ઉંમરની યોગ ઇન્સ્ટ્રક્ટર બની આ સ્કૂલગર્લ

પોતાના શોખને જ પોતાની સફળ કારકિર્દી બનાવી આ સ્કૂલગર્લે વિશ્વની સૌથી નાની વયની સર્ટિફાઇડ યોગ ઇન્સ્ટ્રક્ટરનો રેકૉર્ડ કર્યો છે. માત્ર ૭ વર્ષ ૧૬૫ દિવસની પ્રાણવી ગુપ્તાએ વિશ્વની સૌથી યુવા યોગ ઇન્સ્ટ્રક્ટર (મહિલા)નો રેકૉર્ડ હાંસલ કર્યો છે. આ સર્ટિફિકેશન મેળવવા માટે પ્રાણવીએ યોગ અલાયન્ઝ ઑર્ગેનાઇઝેશનનો ૨૦૦ કલાકનો યોગ ટીચર ટ્રેઇનિંગ કોર્સ પૂર્ણ કર્યો છે.

પ્રાણવી માત્ર સાડાત્રણ વર્ષની હતી ત્યારથી તેની મમ્મીને ઘરે યોગની પ્રૅક્ટિસ કરતી જોતી હતી. થોડા મહિના મમ્મીની બાજુમાં બેસીને જોયા બાદ તેણે મમ્મીના યોગ પોઝનું અનુકરણ કર્યા બાદ પોતાની જાતે યોગ કરવાની શરૂઆત કરી હતી. ૭ વર્ષની વયે પ્રાણવીને સ્કૂલ-બ્રેક દરમ્યાન યોગ ક્લાસમાં ભરતી કરવામાં આવી. એ જ સમયે તેને યોગનો વધુ પ્રસાર કરવા માટે યોગ શીખવવાની ઇચ્છા જાગી હતી. થોડા મહિના પછી યોગ ટીચરના પ્રોત્સાહનથી તે યોગ ટીચર્સ ટ્રેઇનિંગ પ્રોગ્રામમાં જોડાઈ.

સ્કૂલ સાથે યોગ શિક્ષકના ક્લાસિસ ટીચર્સ અને પેરન્ટ્સના સહયોગ વિના શક્ય નહોતા એમ પ્રાણવીએ કહ્યું હતું. પ્રાણવીના વિવિધ રેકૉર્ડ્સ અને અવૉર્ડ્‍સમાં તેની અનુકરણીય સિદ્ધિઓ માટે આંતરરાષ્ટ્રીય ઑલિમ્પિયાડ્સમાં તે ગોલ્ડ મેડલ્સ પણ જીતી છે. લોકોને યોગમાં પ્રશિ​ક્ષિત કરવાની તેની ઇચ્છાને પગલે તેણે પોતાની યુટ્યુબ ચૅનલ લર્નિંગ વિથ પ્રાણવી પણ શરૂ કરી છે, જેમાં તે વિશ્વભરના લોકો સાથે પોતાની સફર શૅર કરી તેમને યોગની કળા અને ફિલસૂફી વિશે શિક્ષિત કરે છે.

ગિનેસ રેકૉર્ડ હાંસલ કર્યા પછી તેણે બાળકો માટે વિશેષ ટૂંકા અને સરળ યોગ વર્ગ શરૂ કરવાનો નિર્ણય કર્યો. પ્રાણવીનું માનવું છે કે યોગ બાળકો તેમ જ પુખ્ત વયના લોકો માટે સરખું ફાયદાકારક છે અને એ ધ્યાન કેન્દ્રિત કરવામાં અને એકંદર સ્વસ્થ અને સુખી જીવન જીવવામાં મદદ કરે છે. 

offbeat news