24 March, 2023 10:28 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આ લઘુ ગ્રહ પૃથ્વીના તમામ લોકોને બનાવી શકે છે અબજોપતિ
સૌરમંડળના કોઈ વિશાળ પથ્થર કે નાના ગ્રહને આપણે ઍસ્ટેરૉઇડ તરીકે ઓળખીએ છીએ. જોકે આવો એક લઘુ ગ્રહ એટલી બધી કીમતી ધાતુઓથી સમૃદ્ધ છે કે જો આપણે એને પકડીને સમાન રૂપે વહેંચી લઈએ તો આ પૃથ્વી નામના ગ્રહ પર વસતી દરેક વ્યક્તિ અબજોપતિ બની જાય. મંગળ અને ગુરુ વચ્ચે આવેલો એક વિશાળ ધાતુનો આ લઘુ ગ્રહ ૧૬ સાયકી તરીકે ઓળખાય છે. ૧૬ સાઇકી ૨૨૬ કિલોમીટર પહોળો છે, જેમાં ૧૦,૦૦૦ ક્વૉડ્રિલ્યન ડૉલર (એટલે કે ૮,૨૧,૩૮૫ ક્વૉડ્રિલ્યન રૂપિયા)ની કિંમતનું લોખંડ, નિકલ અને સોનું હોઈ શકે છે. એક ક્વૉડ્રિલ્યન એટલે કે ૧ની પાછળ ૧૫ મીંડાં લગાડીએ એટલી રકમ થાય. વૈજ્ઞાનિકો આ ગ્રહની રચના કઈ રીતે થઈ એ શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે. નાસા સાયકી મિશન નામનો કાર્યક્રમ પણ આ વર્ષે લૉન્ચ કરશે. આ ગ્રહ પૃથ્વી કરતાં સૂર્યથી લગભગ ત્રણ ગણો દૂર છે. એનો સરેરાશ વ્યાસ ૨૨૬ કિલોમીટર છે, જે ચંદ્રના સોળમા ભાગ જેટલો છે. એનું કદ એક નાના શહેર જેટલું અથવા તો નાના દેશ જેટલું છે. આ ગ્રહનો આકાર બટાટા જેવો છે. ૧૮૫૨ની ૧૭ માર્ચે ઇટલીના ખગોળશાસ્ત્રી એનીબેલ ડી ગાસ્પારિસે આ ગ્રહની શોધ કરી હતી. આ ગ્રહનું નામ સાઇકી રાખવામાં આવ્યું હતું, જે આત્માની ગ્રીક દેવી છે.