03 January, 2025 02:21 PM IST | England | Gujarati Mid-day Correspondent
ઓચિરવાની બૅટબોલ્ડ
ઇંગ્લિશ પ્રીમિયર લીગ (EPL) નામની ફુટબૉલ ટુર્નામેન્ટ દુનિયામાં સૌથી વધુ જોવાતી સ્પોર્ટ્સ લીગ છે અને સૌથી રિચેસ્ટ પણ છે. આ લીગની એક ટીમ છે મૅન્ચેસ્ટર યુનાઇટેડ અને આ ટીમનો એક એવો ફૅન છે જે કદાચ બેજોડ છે. વાત મૉન્ગોલિયાના ઓચિરવાની બૅટબોલ્ડની છે જે પોતાની ફેવરિટ ટીમ મૅન્ચેસ્ટર યુનાઇટેડની મૅચ જોવા પોતાના દેશથી ઇંગ્લૅન્ડના ઓલ્ડ ટ્રૅફર્ડ ગ્રાઉન્ડ સુધી સાઇકલ ચલાવીને પહોંચ્યો છે. આ ભાઈ મે ૨૦૨૩માં મૉન્ગોલિયાથી સાઇકલ પર નીકળ્યા હતા અને ૧૪,૦૦૦ કિલોમીટરનું અંતર કાપીને ૩૧ ડિસેમ્બર ૨૦૨૪ની મૅન્ચેસ્ટર યુનાઇટેડની મૅચ જોવા આ ટીમના ઓલ્ડ ટ્રૅફર્ડ સ્ટેડિયમમાં પહોંચ્યા હતા. ઓચિરવાની બૅટબોલ્ડે ૩૧ ડિસેમ્બરે સ્ટેડિયમમાં પડાવેલો પોતાનો ફોટો સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું હતું ઃ ઓલ્ડ ટ્રૅફર્ડમાં મારી પહેલી મૅચ જોવા હું છેક મૉન્ગોલિયાથી મૅન્ચેસ્ટર સાઇકલ ચલાવીને પહોંચ્યો - આ એ વાતની સાબિતી છે કે હું મૅન્ચેસ્ટર યુનાઇટેડને કેટલો પ્રેમ કરું છું. આજે મેં મારી મમ્મીને ફુટબૉલની મૅચ જોવા લઈ જઈને બચપણનું પ્રૉમિસ પૂરું કર્યું છે. પરિસ્થિતિ ગમે એટલી વિપરીત હોય, આ ટીમ માટેનો મારો પ્રેમ અડગ છે. આ ભાઈએ જોકે એ સ્પષ્ટ નથી કર્યું કે તેની મમ્મી કેવી રીતે ઇંગ્લૅન્ડ પહોંચી.