19 March, 2023 10:02 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ચૅટજીપીટીને સવાલ પૂછીને આ ભાઈએ એક દિવસમાં જ કંપની ઊભી કરી દીધી
અત્યારે સ્ટાર્ટ-અપની ખૂબ ચર્ચા છે. થોડા દિવસમાં જ વ્યક્તિ કરોડો રૂપિયાની કંપની ઊભી કરી દે છે અને થોડા મહિનામાં જ કરોડપતિ થઈ જાય છે. જોકે કોઈ એક જ દિવસમાં લાખો રૂપિયાની કંપની ઊભી કરવાનો દાવો કરે તો વિશ્વાસ કરવો મુશ્કેલ છે, પણ ખરેખર એમ બન્યું છે. એક વ્યક્તિએ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સની મદદથી આશ્ચર્યજનક અચીવમેન્ટ મેળવી છે. તેણે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ ટુલને એટલો જ સવાલ કર્યો હતો કે ‘હું મૅક્સિમમ રૂપિયા કેવી રીતે કમાઈ શકું?’ તેને એનો જે જવાબ મળ્યો એનાથી તે સરપ્રાઇઝ્ડ થઈ ગયો હતો.
જૅક્સન ફૉલ નામની આ વ્યક્તિએ પોતાની સ્ટોરી ટ્વિટર પર શૅર કરી છે, જેમાં તેણે જણાવ્યું કે ‘રિસન્ટલી એક દિવસ મેં ચૅટજીપીટી-4 એઆઇ બોટને પૂછ્યું કે ‘જો તમે એક ટ્રેડર હો, તમારી પાસે માત્ર ૧૦૦ ડૉલર હોય તો, તમારો હેતુ ઓછામાં સમયમાં મૅક્સિમમ રૂપિયા કમાવાનો હોય તો એને માટેની કઈ રીત છે?’ ચૅટજીપીટીએ જવાબ આપ્યો, ‘તમે એફિલિએટ માર્કેટિંગ સાઇટ બનાવી શકો છો અને ઇકો-ફ્રેન્ડ્લી પ્રોડક્ટ્સ વેચી શકો છો.’ એ પછી ડોમેઇન નામ GreenGadgetGuru.com નક્કી કરવામાં આવ્યું. ચૅટજીપીટીએ શાનદાર લોગો પસંદ કરવામાં મદદ કરી અને બ્રૅન્ડિંગમાં પણ મદદ કરી હતી. એટલું જ નહીં, એ પણ જણાવ્યું કે ફક્ત એવી જ પ્રોડક્ટ્સ રાખવી જોઈએ જેની ડિમાન્ડ હોય. જૅક્સન એઆઇ બોટની તમામ ઇન્સ્ટ્રક્શન્સને ફૉલો કરતો ગયો.
જૅક્સને આ રીતે એક દિવસમાં કંપની ઊભી કરી દીધી. અત્યારે આ કંપનીનું વૅલ્યુએશન ૨૫,૦૦૦ ડૉલર (૨૦.૬૩ લાખ રૂપિયા) છે. આ કંપની હજી તો ૧૫ માર્ચે જ બની છે અને અત્યારે કંપની પાસે ૧૩૭૮.૮૪ ડૉલર (૧.૧૩ લાખ રૂપિયા) કૅશ છે.