આ જૅપનીઝ માણસે ૬૩ પાંખડીવાળું પાન ઉગાડીને રેકૉર્ડ બનાવ્યો

22 June, 2024 11:09 AM IST  |  Japan | Gujarati Mid-day Correspondent

૪૫ વર્ષનો યોશીહારુ વોટનાબી ૨૦૧૨થી તેના ઘરના બગીચામાં ક્રૉસ-પૉલિનેટિંગથી ક્લૉવરના છોડ ઉગાડી રહ્યો છે.

ક્લૉવર નામના છોડ

યુરોપના દેશોમાં જોવા મળતા ક્લૉવર નામના છોડમાં સામાન્ય રીતે એક પાન પર ચાર પાંખડીઓ હોય છે, પણ જપાનના એક માણસે તો ૬૩ પાંખડીઓવાળું ક્લૉવર ઉગાડીને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો હતો. ૪૫ વર્ષનો યોશીહારુ વોટનાબી ૨૦૧૨થી તેના ઘરના બગીચામાં ક્રૉસ-પૉલિનેટિંગથી ક્લૉવરના છોડ ઉગાડી રહ્યો છે. આ છોડ સામાન્ય રીતે બધે જોવા મળે છે અને એનો ઉપયોગ પશુઓના ચારા માટે થાય છે. યોશીહારુના બગીચામાં એક વખત ૨૦ પાંદડાંવાળું ક્લૉવર ઊગ્યું હતું અને એ પછી તેણે ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ બનાવવાનું મનમાં ઠાની લીધું હતું.

રસપ્રદ વાત એ છે કે તેણે ૫૬ પાંદડાંવાળા ક્લૉવરનો રેકૉર્ડ તોડ્યો હતો જે ૨૦૦૯માં અન્ય જૅપનીઝ વ્યક્તિએ બનાવ્યો હતો. યોશીહારુ કહે છે કે આ છોડ બહુ મજબૂત છે અને એ વધારે પ્રયત્ન કર્યા વગર જ વિકસિત થઈ જાય છે. તેણે પાંદડાંઓની સંખ્યા વધારવા માટે ક્લૉવર્સનું કુદરતી અને કૃત્રિમ એમ બન્ને રીતે પરાગનયન કર્યું હતું. એક માન્યતા એવી છે કે જે વ્યક્તિને પાંચ પાંદડાંવાળું ક્લૉવર મળે તે નસીબદાર હોય છે. આ બાબતે યોશીહારુ વોટનાબી સૌથી નસીબદાર વ્યક્તિ બન્યો છે.

offbeat news europe japan environment