12 September, 2023 10:13 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગાયના ધણને રોકવા સાઇક્લિસ્ટ બન્યો ટ્રાફિક-પોલીસ
સાઇક્લિસ્ટ ઍન્ડ્રુ ઓ કૉનર નૉર્ધર્ન ઇંગ્લૅન્ડના પહાડ પર સાઇક્લિંગ કરી રહ્યો હતો એ દરમ્યાન તેણે નાસ્તો કરવા માટે વિરામ લીધો હતો. જોકે એના વિરામમાં ભંગ પડતો હોય એમ તેની સામે ગાયનું એક મોટું ટોળું ધસી આવ્યું. કંટાળેલા ખેડૂતે તેને બોલાવ્યો અને ગાયોને ફરી નીચે તરફ ખદેડવા તેની મદદ માગી હતી. એ પછી તેણે જે કર્યું એ સાચે આશ્ચર્યજનક હતું. ઍન્ડ્રુ ગાયોની સામે ગયો અને ટ્રાફિક પોલીસની માફક હાથ બતાવીને ગાયના ધણને રોકવાની કોશિશ કરી. આશ્ચર્યની વાત એ છે કે ગાયો રોકાઈ ગઈ. જ્યારે ખેડૂત ગાયોને રોકવા માટે ઘણા સમયથી મથામણ કરતો હતો. ઍન્ડ્રુએ આ ઘટનાનો વિડિયો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને લખ્યું કે ‘હું જ્યારે એક રાઇડ પર જઈ રહ્યો હતો ત્યારે મારી સાથે સૌથી વિચિત્ર કહી શકાય એવી ઘટના બની, જેમાં મેં ગાયોને મારી સામે આવતી જોઈ હતી.’ ઘણા યુઝરે આના પર પોતાની રમૂજી પ્રતિક્રિયા આપી હતી. ઘણાએ લખ્યું કે કેટલી સમજુ ગાય છે. તો કોઈકે કહ્યું, મને આ માણસનો સ્વભાવ ગમ્યો કે ખેડૂતના કહેવા પર તરત તેની મદદે પહોંચી ગયો.