25 May, 2024 01:38 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ટિન્કેશ કૌશિક
‘જો મનોબળ મજબૂત હોય તો તમે જીવનમાં કંઈ પણ મેળવી શકો છો’ આવું ૩૦ વર્ષના યુવાન ટિન્કેશ કૌશિકનું કહેવું છે. ૯ વર્ષની ઉંમરે વીજ-કરન્ટને લીધે ઘૂંટણથી નીચેના બે પગ અને ડાબો હાથ ગુમાવનારા આ યુવાને તાજેતરમાં ઇતિહાસ રચ્યો છે. મૂળ હરિયાણાના અને હવે ગોવામાં રહેતા ટિન્કેશ કૌશિકે પ્રોસ્થેટિક લેગ્સ વડે એવરેસ્ટ બેઝ કૅમ્પ સર કરીને નોંધપાત્ર સિદ્ધિ મેળવી છે. ઘૂંટણથી નીચેના બે પગ અને ડાબો પગ ન હોવાની સાથે તેના શરીરના સ્નાયુઓમાં પણ ડિસેબિલિટી છે. એમ છતાં તે ૧૭,૫૯૮ ફીટની ઊંચાઈએ બેઝ કૅમ્પ સુધી પહોંચ્યો હતો અને વિશ્વની પહેલી ટ્રિપલ ઍમ્પ્યુટી વ્યક્તિ (એવી વ્યક્તિ કે જેને બે પગ કે હાથ નથી અથવા જેને બે હાથ અને એક પગ નથી) બન્યો હતો. ગોવામાં રહેતો આ યુવાન ફિટનેસ કોચ, મૉડલ, મોટિવેશનલ સ્પીકર અને ખરા અર્થમાં ઇન્ફ્લુઅન્સર છે. ફિઝિકલી ટ્રેઇનિંગ લેતો ટિન્કેશ કૌશિક મેન્ટલ હેલ્થની પણ એટલી જ હિમાયત કરે છે.