આ બહેને ઇલેક્ટ્રિક વેહિકલમાં ૬ ખંડ અને ૨૭ દેશની યાત્રા કરીને બનાવ્યો વર્લ્ડ રેકૉર્ડ

30 March, 2024 02:49 PM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

ફૉર્ડના પ્રથમ પૅસેન્જર EVનું નિર્માણ યુરોપમાં થયું છે અને એમાં જર્મન એન્જિનિયરિંગ અને અમેરિકન સ્ટાઇલનું મિશ્રણ છે.

લેક્સી લિમિટલેસ

લેક્સી લિમિટલેસ નામે જાણીતી લેક્સી ઍલ્ફોર્ડ તેના નામ મુજબ જ લિમિટલેસ કામ કરવામાં માને છે. આ સાહસિક યુવતીના ઇન્સ્ટાગ્રામ પર લાખો ફૉલોઅર્સ છે. તે તાજેતરમાં ઇલેક્ટ્રિક વેહિકલ (EV)માં વૈશ્વિક પરિક્રમા કરનારી વ્યક્તિ બની છે. લેક્સી આ પહેલાં પણ ૨૧ વર્ષની ઉંમરે દરેક દેશમાં ટ્રાવેલ કરનારી સૌથી નાની વયની વ્યક્તિનો વર્લ્ડ રેકૉર્ડ બનાવી ચૂકી છે.
નવી ઇલેક્ટ્રિક ફૉર્ડ એક્સપ્લોરરમાં તેણે ૬ ખંડ, ૨૭ દેશ મળી કુલ ૩૦,૦૦૦ કિલોમીટરની યાત્રા કરી હતી. એ દરમ્યાન લેક્સીએ પાવર આઉટેજ, લિમિટેડ ચાર્જિંગ સોર્સ, ખાડા-ટેકરાવાળા રસ્તા અને પ્રતિકૂળ હવામાન જેવા પ્રશ્નોનો સામનો કરવો પડ્યો હતો. ફૉર્ડના પ્રી-પ્રોડક્શન મૉડલમાં સફર કરનારી લેક્સીએ કહ્યું કે ‘ફ્રાન્સના નીસમાં પ્રોમેનેડ ડેસ ઍન્ગ્લિસ પર ફિનિશલાઇનને ક્રૉસ કરવાનો અનુભવ અકલ્પનીય હતો. ફૉર્ડના પ્રથમ પૅસેન્જર EVનું નિર્માણ યુરોપમાં થયું છે અને એમાં જર્મન એન્જિનિયરિંગ અને અમેરિકન સ્ટાઇલનું મિશ્રણ છે. એમાં મેગાકન્સોલ કૅબિન સ્ટોરેજથી માંડીને મસાજિંગ ડ્રાઇવર સીટ જેવાં જોરદાર ફીચર્સ છે.

offbeat news international news