કાજુનું એક વૃક્ષ ફેલાયેલું છે ૮૪૦૦ સ્ક્વેર મીટરમાં

27 July, 2024 12:01 PM IST  |  Brasília | Gujarati Mid-day Correspondent

આ વૃક્ષ એટલું વિશાળ છે કે વર્ષે ૬૦,૦૦૦ કાજુ એના પરથી ઊતરે છે.

વિશ્વનું સૌથી મોટું અને ચોમેર ફેલાયેલું કાજુનું વૃક્ષ

વડનું વૃક્ષ એની વડવાઈઓ થકી ઘેરાવો ફેલાવતું હોય છે એવી જ રીતે કાજુનું વૃક્ષ પણ ફેલાય છે. વિશ્વનું સૌથી મોટું અને ચોમેર ફેલાયેલું કાજુનું વૃક્ષ બ્રાઝિલમાં છે. એનો ઘેરાવો ૮૪૦૦ સ્ક્વેર મીટરમાં ફેલાયેલો છે. આ વૃક્ષ લગભગ ૧૦૦૦ વર્ષ કરતાં વધુ જૂનું છે. ૧૮૮૮ની સાલમાં આ કાજુનું પ્લાન્ટેશન થયું હતું. સ્થાનિક માછીમારે એનું વાવેતર કર્યું હતું અને તે ૯૩ વર્ષની ઉંમરે મૃત્યુ પામ્યો હતો. આ વૃક્ષ એટલું વિશાળ છે કે વર્ષે ૬૦,૦૦૦ કાજુ એના પરથી ઊતરે છે.

એની વિશાળતાને કારણે બ્રાઝિલમાં એ ટૂરિસ્ટ પૉઇન્ટ બની ગયું છે. લોકો દૂર-દૂરથી એને જોવા આવે છે. કાજુના ફળથી આ વૃક્ષની ડાળીઓ વજનથી નીચી નમી જાય છે અને એ જમીનમાં ખૂંપી જાય છે અને બીજાં મૂળિયાં એમાં રચાઈ જાય છે. આમ ચોમેરથી આ વૃક્ષ ફેલાઈ ગયું છે અને હજી ફેલાઈ રહ્યું છે. દર વર્ષે ત્રણ લાખથી વધુ ટૂરિસ્ટો અહીં આવે છે અને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સે આ વૃક્ષને સૌથી વિશાળ કાજુના વૃક્ષનો ખિતાબ આપ્યો છે.

brazil offbeat news international news guinness book of world records travel news