10 November, 2024 05:39 PM IST | Kanpur | Gujarati Mid-day Correspondent
‘ખજાનચી’ યાદવ
૨૦૧૬ની ૮ નવેમ્બરે દેશમાં નોટબંધી લાગુ થઈ હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૫૦૦ અને ૧૦૦૦ રૂપિયાની ચલણી નોટો રાતોરાત ચલણમાંથી બંધ કરી દીધી હતી અને સમગ્ર દેશમાં દોડધામ મચી ગઈ હતી. કાળું નાણું બહાર લાવવા માટે લેવાયેલા આ પગલાને શુક્રવારે ૮ વર્ષ પૂરાં થયાં અને એ સાથે ‘ખજાનચી’ યાદવ પણ ૮ વર્ષનો થઈ ગયો. હા, ખજાનચી યાદવ એ છોકરાનું નામ છે અને આ નામ ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે પાડ્યું છે.
મુદ્દો રાજકીય છે, પણ રસપ્રદ છે. વાત એમ છે કે કાનપુરના અનંતપુર ગામનાં સર્વેશાદેવીનાં લગ્ન સરદારપુરવા ગામમાં થયાં હતાં, પણ સાસરે ત્રાસ મળતો હતો એટલે સગર્ભા સર્વેશાદેવી પિયર આવી ગયાં. નોટબંધી લાગુ થઈ એટલે તેઓ બૅન્કમાંથી રૂપિયા ઉપાડવાની લાઇનમાં ઊભાં હતાં ત્યારે જ તેમને પ્રસવપીડા ઊપડી અને પ્રસૂતિ થઈ. એ વખતે અખિલેશ મુખ્ય પ્રધાન હતા. એ વાતની જાણ થઈ એટલે તેમણે બાળકનું નામ ખજાનચી પાડ્યું અને દર વર્ષે તેનો જન્મદિવસ પણ ઊજવે છે. આ વખતે પણ ખજાનચીની આઠમી વર્ષગાંઠ ઊજવી હતી. અખિલેશે ખજાનચીને સાઇકલ ભેટ આપી હતી. ભૂતપૂર્વ મુખ્ય પ્રધાને લાડુ ખવડાવીને ખજાનચીનું મોઢું મીઠું કરાવ્યું એ પછી BJP, વડા પ્રધાન, યોગી આદિત્યનાથ વિશે કડવાં વેણ બોલીને BJP અને એના સમર્થકોનાં મોઢાં બગાડી નાખ્યાં.