10 February, 2024 02:33 PM IST | Washington | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
વિશ્વની વસ્તી ફાટીને ધુમાડે ગઈ છે ત્યારે કેટલાક દેશો પોતાના દેશની ઘટતી વસ્તી માટે ચિંતિત છે. સિંગાપોર પણ એમાંનું એક છે. સિંગાપોરમાં જન્મદર ઘણો ઓછો હોવાથી ત્યાંની સરકારે દેશના પરિવારોને આ વર્ષે બાળકો પેદા કરવાની વિનંતી કરી છે. વાસ્તવમાં ચીનનું નવું વર્ષ ૧૦ ફેબ્રુઆરીથી શરૂ થવા જઈ રહ્યું છે. ચાઇનીઝ મૂળના ઘણા પરિવારો ડ્રૅગનના વર્ષમાં જન્મેલાં બાળકોને શુભ માનતાં હોવાથી સિંગાપોરની સરકારે ત્યાંના કપલને બાળકો પેદા કરવાની વિનંતી કરી છે.
વડા પ્રધાન લી સિએન લૂંગે શુક્રવારે પરિણીત યુગલોને વર્ષ દરમ્યાન બાળકો પેદા કરવા પ્રોત્સાહન આપ્યું હતું. તેમણે લોકોને સરકારના સમર્થનની ખાતરી પણ આપી હતી. ચીની પૌરાણિક કથાઓમાં ડ્રૅગનને એક શક્તિશાળી અને શુભ પ્રતીક તરીકે જોવામાં આવે છે; જે સાહસ, સર્જનાત્મકતા અને નવીનતાનું પ્રતિનિધિત્વ કરે છે. વડા પ્રધાન લીનો જન્મદિવસ ૧૦ ફેબ્રુઆરીએ છે અને એ જ દિવસે ડ્રૅગન વર્ષ શરૂ થાય છે. તેમનો જન્મ ૧૯૫૨માં ડ્રૅગનના વર્ષમાં થયો હતો. આવી સ્થિતિમાં પીએમે કહ્યું કે યુવાન યુગલો માટે તેમના પરિવારમાં ‘નાનું ડ્રેગન’ એટલે કે ‘નાનું બાળક’ ઉમેરવાનો આ સારો સમય છે.