જાતીય સતામણીના મામલે નર્સિંગ સ્ટાફની ધરપકડ કરવા પોલીસ SUV લઈને હૉસ્પિટલના છઠ્ઠા માળે પહોંચી ગઈ

25 May, 2024 01:42 PM IST  |  Uttarakhand | Gujarati Mid-day Correspondent

નર્સિંગ ઑફિસર પર એવો આરોપ હતો કે તેણે ચાલુ ઑપરેશન દરમ્યાન ઑપરેશન થિયેટરની અંદર જુનિયર રેસિડન્ટ ડૉક્ટરની સતામણી કરી હતી.

પોલીસ

ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મૅડિકલ સાયન્સિસ (AIIMS) હૃષીકેશમાં ફિલ્મી દૃશ્યો સર્જાયાં હતાં. હૉસ્પિટલની જુનિયર રેસિડન્ટ ડૉક્ટરે નર્સિંગ ઑફિસર સામે જાતીય સતામણીની ફરિયાદ કર્યા બાદ અન્ય ડૉક્ટરોએ ધરપકડની માગણી કરતાં આંદોલન શરૂ કર્યું હતું. નર્સિંગ ઑફિસર પર એવો આરોપ હતો કે તેણે ચાલુ ઑપરેશન દરમ્યાન ઑપરેશન થિયેટરની અંદર જુનિયર રેસિડન્ટ ડૉક્ટરની સતામણી કરી હતી. આ ઉપરાંત તેણે વૉટ્સઍપ પર વાંધાજનક મેસેજ પણ મોકલ્યા હતા.

દરમ્યાન આરોપીને હેલ્થ ઇશ્યુને કારણે હૉસ્પિટલમાં ભરતી કરવામાં આવતાં તેની ધરપકડમાં વિલંબ થયો હતો. પોલીસને શંકા હતી કે આરોપી સામે આક્રોશ વધતાં હૉસ્પિટલમાં મૉબ લિન્ચિંગ થઈ શકે છે. આરોપી ચાલવામાં સક્ષમ ન હોવા છતાં અનિચ્છનીય ઘટના ન બને એ માટે પોલીસ SUV કાર લઈને છઠ્ઠા માળે પહોંચી હતી અને તેની ધરપકડ કરી હતી. સોશ્યલ મીડિયા પર આ આશ્ચર્યજનક ઘટનાનો વિડિયો વાઇરલ થયો હતો જેમાં SUV પહેલા માળે પેશન્ટ વેઇટિંગ એરિયામાંથી પસાર થઈ રહી છે. 

offbeat news rishikesh sexual crime