દરિયાનાં મોજાંમાંથી બનતા ચહેરાનો પર્ફેક્ટ શૉટ મેળવવા ફોટોગ્રાફરે ૧૨ કલાક સુધી રાહ જોવી પડી

04 March, 2023 10:47 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઇન્સ્ટાગ્રામ-યુઝર્સે તેના પ્રયાસોની ભારે પ્રશંસા કરી છે. અનેક લોકોએ આ સાચા ફોટોગ્રાફ છે કે એડિટિંગ છે એવા પ્રશ્ન પણ પૂછી લીધા છે

દરિયાનાં મોજાંમાંથી બનતા ચહેરાનો પર્ફેક્ટ શૉટ મેળવવા ફોટોગ્રાફરે ૧૨ કલાક સુધી રાહ જોવી પડી

કુદરતનાં તત્ત્વો જેમ કે પાણીની લહેરો, રેતી અને વૃક્ષોનો પોતાનો એક અલગ જ અંદાજ હોય છે. ઘણી વાર એવાં અલભ્ય દૃશ્યો કે સ્થળો નજરે ચડે છે કે કુદરતના કરિશ્માને માનવો જ પડે. તાજેતરમાં ઇયાન સ્પ્રોટ નામના એક ફોટોગ્રાફરે લગભગ ૧૨ કલાકની ધીરજ ધરીને ઉપરાઉપરી ૪૦૦૦ જેટલી વાર ક્લિક કર્યા પછી એક એવો દુર્લભ ફોટો મેળવ્યો છે, જેનાથી પોતે પણ ચકિત થઈ ગયો. આ ફોટો યુકેના સન્ડરલૅન્ડમાં રૉકર પિયરમાં લેવાયો છે.

ઇયાન સ્પ્રોટે લાઇટહાઉસ સાથે અથડાતા તરંગોના ફોટો શૅર કર્યા હતા. ફોટોની કૅપ્શનમાં લખ્યું હતું, ‘આ જળદેવી ઍમ્ફિટ્રાઇટ છે કે પ્રિય સ્વર્ગીય રાણી એલિઝાબેથ છે?’ પહેલી વાર જ્યારે ફોટો જોયો ત્યારે તેને પોતાને પણ વિશ્વાસ નહોતો બેઠો.

ઇન્સ્ટાગ્રામ-યુઝર્સે તેના પ્રયાસોની ભારે પ્રશંસા કરી છે. અનેક લોકોએ આ સાચા ફોટોગ્રાફ છે કે એડિટિંગ છે એવા પ્રશ્ન પણ પૂછી લીધા છે. 

offbeat news instagram