૩૪ વર્ષ પહેલાં ૨૦ રૂપિયાની લાંચ લીધી હતી, ધરપકડ હવે થઈ

07 September, 2024 09:25 AM IST  |  Bihar | Gujarati Mid-day Correspondent

હવે અદાલતના આદેશને પગલે ખાસ દેખરેખ સાથે બિહાર પોલીસ એ હવાલદારની ધરપકડ કરશે.

પ્રતીકાત્મક તસવીર

પાપ ગમે ત્યારે છાપરે ચડીને પોકારે તે આનું નામ. બિહારમાં લાંચ લેવાના કેસમાં એક હવાલદારની ધરપકડ કરવાનો અદાલતે આદેશ કર્યો છે. હવાલદારે લાંચમાં માત્ર ૨૦ રૂપિયા લીધા હતા અને એ પણ ૩૪ વર્ષ પહેલાં. બારાહિયાના હવાલદાર સુરેશ પ્રસાદ સિંહે ૧૯૯૦ની ૬ મેના રોજ સહર્ષા રેલવે-સ્ટેશન પર શાકભાજી વેચતી મહિલા સીતાદેવી પાસેથી ૨૦ રૂપિયાની લાંચ લીધી હતી. હવાલદાર રૂપિયા લેતો હતો ત્યારે સ્ટેશનના તત્કાલીન પ્રભારીએ તેને રંગેહાથ પકડી લીધો હતો. ૩૪ વર્ષથી સુરેશ પ્રસાદ સામે કેસ ચાલતો હતો. જામીન લઈને તે હાજર થતો નહોતો અને ૧૯૯૯થી તો ગુમ જ થઈ ગયો હતો. સંપત્તિ જપ્ત કરવાનો આદેશ મોકલ્યા પછી પણ સુરેશ પ્રસાદનો પત્તો નહોતો મળ્યો. સર્વિસ રેકૉર્ડમાં તપાસ કરી ત્યારે તેણે ખોટું સરનામું લખાવ્યું હોવાની જાણ થઈ હતી. હવે અદાલતના આદેશને પગલે ખાસ દેખરેખ સાથે બિહાર પોલીસ એ હવાલદારની ધરપકડ કરશે.

offbeat news bihar Crime News india