કપલે ગંદી શેરીની સાફસફાઈ કરી તો નગરપાલિકાએ એક લાખનો દંડ કર્યો

15 July, 2024 11:55 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

યુગલે પાડોશીઓ પાસેથી એક નિવેદન પણ પર સાઇન કરાવી કે તેમણે તો માત્ર શેરી સાફ કરીને કચરો ભેગો કરવામાં મદદ કરેલી

વેરોનિકા માઇક અને તેનો પતિ જોલ્ટન પિન્ટર

આપણે ત્યાં કોઈ વ્યક્તિ શેરીની સાફસફાઈ કરવા માટે ઝાડુ હાથમાં પકડે તો સોશ્યલ મીડિયામાં તેની વાહવાહી થાય, પણ ઇંગ્લૅન્ડમાં શેરીની સફાઈ કરવાનું સદ્કાર્ય કરવાનું એક યુગલને ભારે પડી ગયું હતું. વાત એમ છે કે ૪૧ વર્ષની વેરોનિકા માઇક અને તેનો પતિ જોલ્ટન પિન્ટર સ્ટેફર્ડશરમાં રહે છે. તેમના ઘરની બહારની શેરીમાં ઘણા વખતથી ગંદકી ભેગી થઈ ગઈ હતી અને મ્યુનિસિપાલિટી દ્વારા કચરો ઉપાડનારા આવ્યા ન હોવાથી કચરાના ડબ્બાની બહાર પણ ખૂબ કચરો ઊભરાઈ રહ્યો હતો. એને કારણે ઉંદર અને બિલાડીઓની સંખ્યા વધી રહી હતી. કપલે એક-બે વાર સફાઈવાળી હેલ્પલાઇન પર ફોન કરીને ઇન્ફૉર્મ કર્યું પણ કાંઈ વળ્યું નહીં એટલે તેમણે જાતે જ કમર કસી લીધી. તેમણે મોટા ડસ્ટબિનની બહાર ઊભરાઈ રહેલા કચરાને તેમના ઘરમાં આવેલા કાર્ડબોર્ડના બૉક્સમાં ભરીને મૂકી દીધો જેથી કચરાવાળા જ્યારે આવે ત્યારે તેમને ઉપાડવામાં સરળતા રહે. જોકે તેઓ એ ભૂલી ગયા કે કાર્ડબોર્ડના બૉક્સ પર તેમનું સરનામું છે. કચરાવાળા આવ્યા અને કચરો ઉપાડી ગયા પછી શેરી એકદમ ચોખ્ખી થઈ ગઈ હતી, પણ એક અઠવાડિયા પછી તેમને મ્યુનિસિપાલિટી તરફથી એક લેટર મળ્યો. તેમને લાગ્યું કે કદાચ એમાં તેમનાં વખાણ થયાં હશે, પણ થયું ઊલટું. તેમને એક લાખ રૂપિયાનો દંડ થયો હતો. ઇંગ્લૅન્ડમાં રસ્તા પર કચરો ફેંકવો એ ગુનો છે અને આ યુગલે તો તેમના સરનામાવાળા કાર્ડબૉક્સ ભરેલો કચરો રસ્તા પર મૂક્યો હતો એટલે એ બૉક્સમાં તેમણે કચરો મૂક્યો છે એવું ગણીને પતિ-પત્ની બન્ને પર ૬૦૦-૬૦૦ પાઉન્ડ એટલે કે લગભગ એક લાખ રૂપિયા કરતાં વધુનો દંડ થયો. યુગલે પાડોશીઓ પાસેથી એક નિવેદન પણ પર સાઇન કરાવી કે તેમણે તો માત્ર શેરી સાફ કરીને કચરો ભેગો કરવામાં મદદ કરેલી, પણ એ લેટર મ્યુનિસિપાલિટીએ ગણકાર્યો નહીં. હવે આ યુગલ હપ્તામાં તેમના પર થયેલો દંડ ભરી રહ્યું છે.

offbeat news england united states of america