26 February, 2023 09:20 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સૌથી મોંઘા આ ઢોસામાં છે ૨૪ કૅરૅટ શુદ્ધ સોનું
મોંઘો નાસ્તો કરવાની ઇચ્છા રાખનારે તેલંગણના હૈદરાબાદના બંજારા હિલ્સ વિસ્તારમાં આવેલી ‘હાઉસ ઑફ ઢોસા’ નામની રેસ્ટોરાંની મુલાકાત લેવી જોઈએ, જ્યાં એક ઢોસાની કિંમત ૧૦૦૦ રૂપિયા છે. વીક-એન્ડના દિવસોમાં સોનું ચડાવેલા ‘ગોલ્ડન ઢોસા’ ખાવા માટે આ રેસ્ટોરાંમાં શબ્દશ: લોકોની લાઇન લાગે છે.
સામાન્ય રીતે ઢોસાની કિંમત ૩૦થી માંડીને ૧૫૦ રૂપિયા સુધી હોય છે, જે ઢોસા સામાન્ય રેસ્ટોરાંમાં મળે છે કે કોઈ મોંઘી જગ્યાએ એના પર નિર્ભર છે. ‘હાઉસ ઑફ ઢોસા’માં મળતા ‘ગોલ્ડન ઢોસા’ની કિંમત હાલના સમયમાં કોઈ પણ શહેરના કોઈ પણ ફૂડ જૉઇન્ટ પર વેચાતી વાનગીની કિંમત કરતાં વધુ છે.
પૅનમાં ઢોસા બનાવ્યા પછી એના પર ૨૪ કૅરૅટ સોનું ઘીની જેમ પાથરવામાં કે ચોપડવામાં આવે છે. ઢોસાની આટલી ઊંચી કિંમત માટે કાંઈક અંશે આ સોનાનું કોટિંગ જવાબદાર છે. ઢોસા સાથે કાજુ, બદામ, ચોખ્ખું ઘી, શેકેલી સિંગ અને શેકેલી ચણાદાળ તથા ટેસ્ટી પાઉડરની ચટણી આપવામાં આવે છે. ઢોસા સાથે આ તમામ ચીજો આપવા પાછળનું કારણ આપતાં ‘હાઉસ ઑફ ઢોસા’ જણાવે છે કે ગ્રાહકો પાસેથી ઊંચા દામ વસૂલવા સાથે અમારે તેમની અપેક્ષાઓ પણ સંતોષવી જરૂરી છે. દિવસમાં ૬થી ૮ આવા ઢોસા વેચાતા હોવાનું જણાવતાં તેઓ કહે છે કે ગ્રાહકનો ઑર્ડર મળ્યા બાદ જ અમે આવા ઢોસા બનાવીએ છીએ.