29 July, 2024 10:08 AM IST | Bengaluru | Gujarati Mid-day Correspondent
સ્ક્રીનશૉટ
મેટ્રો શહેરોમાં પીક અવર્સમાં ટ્રાફિક એટલોબધો હોય છે કે પોતાનું વાહન લેતાં પહેલાં બે વાર વિચાર કરવો પડે. જોકે બૅન્ગલોરમાં આયુષ સિંહ નામના એક યુવકે ટ્રાફિકની રોજિંદી સમસ્યાને વાચા આપતો એક સ્ક્રીનશૉટ શૅર કરીને સોશ્યલ મીડિયા પર ભડાસ કાઢી હતી. જોકે બૅન્ગલોરના બ્રિગેડ મેટ્રોપૉલિસથી કે. આર. પુરમ રેલવે સ્ટેશન વચ્ચેનું છ કિલોમીટરનું અંતર કાપવા માટે કેટલો સમય લાગશે એ જાણવા તેણે ગૂગલ મૅપ ખોલ્યો. ટ્રાફિકને કારણે છ કિલોમીટરનું અંતર કારમાં ૪૪ મિનિટમાં પાર થશે એવું મૅપમાં દેખાતું હતું, જ્યારે પગે ચાલીને જશો તો ૪૨ મિનિટમાં પહોંચી જવાશે એવું મૅપમાં દેખાય છે. બસ, પછી તો પૂછવું જ શું? સોશ્યલ મીડિયા પર સેંકડો લોકો પોતપોતાની આપવીતી આવી જ છે એવી રજૂઆત કરવા લાગ્યા. કોઈકે સાંત્વન આપ્યું કે માત્ર બૅન્ગલોર જ નહીં, મુંબઈ અને દિલ્હીમાં પણ આવી જ હાલત છે. તો કોઈકે વળી ચાલવામાં પડતી મુશ્કેલીઓ વિશે પણ કમેન્ટ કરી. આપણાં મેટ્રો શહેરોમાં કેટલાય વિસ્તારોમાં વ્યવસ્થિત ચાલી શકાય એવી ફુટપાથ પણ નથી ત્યારે ચાલવાનું ક્યાં?