ઉત્તર પ્રદેશના આ ગામને આઇએએસની ફૅક્ટરી ગણવામાં આવે છે

08 February, 2024 10:42 AM IST  |  Uttar Pradesh | Gujarati Mid-day Correspondent

માધોપટ્ટી ગામમાં માત્ર ૭૫ ઘર છે, જેમાંથી ૫૧ આઇએએસ અને આઇપીએસ અધિકારીઓ બહાર પડી ચૂક્યા છે

માધોપટ્ટી ગામ

ઉત્તર પ્રદેશના જૌનપુર જિલ્લાના એક ગામ માધોપટ્ટીએ અત્યાર સુધીમાં લગભગ ૫૧ આઇએએસ અને આઇપીએસ અધિકારીઓ પોતાની મહેનતે બનાવ્યા છે. આઇપીએસ અને આઇએએસ ઑફિસર બનવા માટે યુપીએસસીની પરીક્ષા પાસ કરવી એ ઘણા લોકોની અભિલાષા છે. અત્યંત સ્પર્ધાત્મક પરીક્ષામાં પ્રવેશ મેળવવો એ એક મુશ્કેલ પડકાર છે, જેને ઘણી વાર વર્ષોના પ્રયત્નોની જરૂર પડે છે. જોકે ઉત્તર પ્રદેશના જૌનપુર જિલ્લાના માધોપટ્ટી ગામમાંથી એક અનોખી ઘટના સામે આવી છે. પ્રભાવશાળી ટ્રૅક રેકૉર્ડ સાથે માધોપટ્ટી ૫૧થી વધુ આઇએએસ અને પીસીએસ (પ્રોવિન્શિયલ સિવિલ સર્વિસિસ) અધિકારીઓનું વતન રહ્યું છે.

‘આઇએએસ ફૅક્ટરી’નું હુલામણું નામ ધરાવતા આ ગામમાંથી વર્ષોવર્ષ સતત અધિકારીઓ આઇએએસ કે આઇપીએસ બને છે. આ સિદ્ધિમાં વધુ પ્રશંસનીય બાબત એ છે કે જૌનપુર જિલ્લાના આ ગામમાં માત્ર ૭૫ ઘરો છે. એમાં કોઈ કોચિંગ સેન્ટર પણ નથી. શિક્ષણનું હબ ગણાતા આ ગામમાંથી આવતા મોટા ભાગના અધિકારીઓ અવકાશ, પરમાણુ સંશોધન, ન્યાયિક સેવાઓ અને બૅ​ન્કિં​ગમાં ઉચ્ચ કારકિર્દી ધરાવે છે. આ ગામ ચાર આઇએએસ ભાઈ-બહેનો જેમ કે વિનયકુમાર સિંહ, છત્રપાલ સિંહ, અજયકુમાર સિંહ અને શશિકાંત સિંહનું ઘર હોવા માટે પણ ફેમસ છે.
આ ગામની સિદ્ધિને સમજવા માટે ભૂતકાળમાં નજર નાખો તો ખબર પડે છે કે સ્વતંત્રતાસેનાની ભગવતી દીન સિંહ અને તેમનાં પત્ની શ્યામરતિ સિંહે ૧૯૭૧માં આ ગામમાં બાળકોને શિક્ષણ આપવાનું શરૂ કર્યું હતું. શરૂઆતમાં શ્યામરતિએ છોકરીઓને ભણાવવાનું શરૂ કર્યું અને ત્યાર બાદ ટૂંક સમયમાં છોકરાઓએ પણ ગામનાં બાળકોને ભણાવવાનું શરૂ કર્યું. બની શકે કે વર્ષો પહેલાં વાવેલી શીખવાની ભાવના આ ગામના લોકોની જીવનશૈલીમાં પ્રવેશી ગઈ હોય.

offbeat videos offbeat news uttar pradesh