11 November, 2023 05:01 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
લદ્દાખના આકાશમાં રહસ્યમય લાલાશ છવાઈ
લદ્દાખના આકાશમાં રહસ્યમય લાલાશ જોવા મળી હતી. લદ્દાખના હૅનલે અને મેરકમાં ઇન્ડિયન ઍસ્ટ્રોનૉમિકલ ઑબ્ઝર્વેટરીએ આકાશમાં રૅર લાલાશની ઇમેજિસને કૅપ્ચર કરી હતી.
પાંચમી નવેમ્બરની રાતે લાલ કલરનો ધ્રુવીય પ્રકાશ જોવા મળ્યો હતો. સ્ટેબલ ઓરોરલ રેડ નામની ઘટનાને કારણે આ અસામાન્ય દૃશ્ય જોવા મળ્યું હતું. આ રૅર ઘટના ત્યારે થાય છે કે જ્યારે ધ્રુવીય પ્રકાશ દરમ્યાન આકાશ બ્યુટિફુલ લાલ રંગના શેડથી રંગાઈ જાય છે. આકાશમાં ધ્રુવીય પ્રકાશ વખતે સામાન્ય રીતે લીલો કે ભૂરો રંગ છવાઈ જાય છે. જોકે સ્ટેબલ ઓરોરલ રેડ ઘટનામાં લાલ કલર વધુ દેખાય છે. આ ઘટના ક્યારેક જ બને છે અને એને નિહાળવી સ્પેશ્યલ છે.
સોલર તોફાનોને કારણે પૃથ્વીના મૅગ્નેટોસ્ફિયરમાં મોટા પાયે ડિસ્ટર્બન્સ જિયોમૅગ્નેટિક તોફાનને કારણે આ ઘટના બની હતી. આ લાલ ધ્રુવીય પ્રકાશ રાત્રે ૧૦ વાગ્યાથી મોડી રાત સુધી જોવા મળ્યો હતો. નોંધપાત્ર છે કે લદ્દાખમાં અનેક ટેલિસ્કૉપ તેમજ આકાશની સતત ઇમેજીઝ લેતા ખાસ કૅમેરા પણ છે.