23 August, 2024 10:54 AM IST | Karnataka | Gujarati Mid-day Correspondent
ન્યાયાધિશ
ભૂતપૂર્વ પતિ પાસેથી દર મહિને ભરણપોષણ માટે ૬,૧૬,૩૦૦ રૂપિયા માગનારી મહિલાને કર્ણાટક હાઈ કોર્ટે કહી દીધું છે કે મહિનામાં આટલો બધો ખર્ચ કરવો હોય તો કમાવાનું શરૂ કરી દો.
મહિલાના વકીલે કોર્ટ સમક્ષ દલીલી કરી કે મારાં અસીલને ઘૂંટણના દુખાવાને લીધે લેવી પડતી ફિઝિયોથેરપી, દવાઓ વગેરે માટે દર મહિને ચાર-પાંચ લાખ રૂપિયાનો ખર્ચ થાય છે; એ ઉપરાંત બંગડીઓ, સૅન્ડલ, સ્લિપર, ઘડિયાળ જેવી ‘મૂળભૂત જરૂરિયાતો’ માટે ૫૦,૦૦૦ રૂપિયા જોઈએ તથા ખાવાપીવાનો ખર્ચ ૬૦,૦૦૦ રૂપિયા થાય છે.
ભૂતપૂર્વ પતિ ૧૦,૦૦૦ રૂપિયાના એક લેખે મળતા કૅલ્વિન ક્લેઇન બ્રૅન્ડના ટી-શર્ટ જેવાં મોંઘાં કપડાં પહેરે છે જ્યારે મારે જૂના ડ્રેસિસથી ચલાવવું પડે છે એવી દલીલ પણ મહિલા વતી વકીલે કોર્ટ સમક્ષ કરી હતી.
વકીલે જોકે એ વાત સ્વીકારી કે ભૂતપૂર્વ પતિ બાળકોની સ્કૂલ અને ટ્યુશનની ફી આપે છે. આ અરજીના સંદર્ભમાં જજની પ્રતિક્રિયા અત્યંત તીખી હતી. તેમણે કહ્યું, ‘દર મહિને ૬ લાખ ૧૬ હજાર ૩૦૦ રૂપિયા? એક એકલી મહિલા પોતાના પર મહિને આટલો ખર્ચ કરે? વેલ, જો તેને આટલા પૈસા વાપરવા હોય તો તે પોતે કમાય. આ ભાર ભૂતપૂર્વ પતિના માથે ન નાખી શકાય.’
ઉલ્લેખનીય છે કે આ ટિપ્પણીઓ એક મહિલા જજની હતી. આ ટિપ્પણીઓનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે અને લોકો તેમને બિરદાવીને ભવિષ્યનાં ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા ગણાવી રહ્યાં છે.