10 August, 2024 02:33 PM IST | Washington | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ઇઝરાયલ અને હમાસ વચ્ચે મહિનાઓથી યુદ્ધ ચાલી રહ્યું છે. યુદ્ધમાં અત્યાર સુધીમાં ૪૦,૦૦૦ જેટલાં માથાં ખપી ગયાં છે અને એમાં ૭૦૦થી વધુ સૈનિકો ઇઝરાયલના છે. ત્યાંની સરકાર હવે શહીદ થયેલા સૈનિકોના સ્પર્મ એટલે કે શુક્રાણુ એકઠા કરીને સંગ્રહ કરી રહી છે. ૧૭૦ સૈનિકો અને સામાન્ય નાગરિકોના સ્પર્મ તો સંગ્રહાલયમાં પહોંચાડી દેવાયા છે. ભવિષ્યમાં બાળકોનો જન્મ કરાવી શકાય એ માટે આ સ્પર્મ એકઠા થઈ રહ્યા છે. એ માટે સૈનિકનું મૃત્યુ થાય ત્યારે સૈન્ય પરિવારને જાણ કરવાની સાથે-સાથે સ્પર્મ સંગ્રહ કરવા ઇચ્છે છે કે નહીં એ પણ પૂછી લે છે. પરિવારની લેખિત સંમતિ મળ્યા પછી જ શુક્રાણુ કાઢી લેવામાં આવે છે. સંમતિ આપનાર પરિવારની સંખ્યા વધી રહી છે એવી જ રીતે ઘણી મહિલાઓ અને યુવતીઓ સૈનિકોનાં સંતાનોને જન્મ આપવા સામે આવી રહી છે. વ્યક્તિનું મૃત્યુ થયા પછી પુરુષના અંડાશયમાં એક ચેકો મૂકવામાં આવે છે અને એમાંથી કોશિકાઓનો એક નાનકડો ટુકડો કાઢી લેવાય છે. આ કોશિકાઓમાંથી જીવંત શુક્રાણુ કોશિકાઓને કાઢીને લૅબોરેટરીમાં ફ્રીઝ કરી લેવામાં આવે છે. આ પ્રક્રિયા મૃત્યુના ૨૪ કલાકમાં જ પતાવવાની હોય છે.