ધ ગ્રેટ ખલીએ સાધુને વાળથી ખેંચીને ઊંચકી લીધા

28 November, 2024 02:24 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શાસ્ત્રીએ કહ્યું હતું કે ‘મહારાજનો સંકલ્પ પૂરો કરવાની આપણી સૌની જવાબદારી છે.

વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ

બાગેશ્વરધામના પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ અત્યારે સનાતન હિન્દુ એકતા પદયાત્રા કરી રહ્યા છે. સોમવારે તેમની યાત્રા ઝાંસીના દેવરી ગામે પહોંચી હતી. ત્યાં રેસલર ધ ગ્રેટ ખલી કથાવાચક ધીરેન્દ્ર શાસ્ત્રીને મળવા પહોંચ્યા હતા. બન્નેએ એકબીજાનું અભિવાદન કર્યું. એ વખતે યાત્રામાં ધીરેન્દ્ર શાસ્ત્રી સાથે ચાલતા એક સાધુએ ખલીને પોતાની શિખા પકડીને ઊંચકવા કહ્યું. ખલીએ પૂછ્યું પણ ખરું કે સાચ્ચે જ ઊંચકી લઉં? સાધુએ હા પાડી એટલે ખલીએ સાચ્ચે જ એ સાધુની શિખા પકડીને એક હાથે ઊંચા કર્યા હતા. આ જોઈને પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી તાળીઓ પાડીને ‘પહેલાં આપણો સનાતન ધર્મ, જાતપાત પછી’ બોલી ઊઠ્યા હતા. શાસ્ત્રીએ કહ્યું હતું કે ‘મહારાજનો સંકલ્પ પૂરો કરવાની આપણી સૌની જવાબદારી છે. મહારાજ જાતપાત અને ભેદભાવ દૂર કરવા માટે જે અભિયાન ચલાવી રહ્યા છે એને આપણે આગળ ધપાવવાનું છે. અંદરોઅંદર ભાઈચારો હશે તો દેશ મજબૂત બનશે.’

offbeat news national news india