તમે પણ આ ઇલેક્ટ્રિક ફાયર ટ્રક વસાવી શકો

11 September, 2022 09:17 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

જેની કિંમત માત્ર ૨૬૦૦ ડૉલર એટલે કે બે લાખ સાત હજાર રૂપિયા જેટલી છે

રોબેટા ઇલેક્ટ્રિક ફાયર ટ્રક

અગ્નિશામક દળ પાસેની સંપૂર્ણ રીતે સજ્જ ફાયર ટ્રકની કિંમત સામાન્ય રીતે સેંકડો હજાર ડૉલરની હોય છે, પરંતુ નગરપાલિકાઓ, વ્યવસાયો અથવા તો ઓછા ખર્ચે આગ સામે પોતાને બચાવવા માગનાર વ્યક્તિ માટે હવે સસ્તો અને પર્યાવરણને અનુકૂળ વિકલ્પ ઉપલબ્ધ છે. હવે રોબેટા કંપનીએ પોતાની સુરક્ષાની જવાબદારી પોતે ઉઠાવવા માગતા લોકો માટે વિશ્વની સૌથી સસ્તી રોબેટા ઇલેક્ટ્રિક ફાયર ટ્રક વિકસાવી છે, જેની કિંમત માત્ર ૨૬૦૦ ડૉલર એટલે કે બે લાખ સાત હજાર રૂપિયા જેટલી છે. રોબેટા ફાયર ટ્રક વન સીટર ઇલેક્ટ્રિક વાહન છે, જે આગ સામે લડવાનાં આવશ્યક શસ્ત્રો સાથે કલાકના ૩૧થી ૩૭ માઇલ (લગભગ ૫૦-૬૦ કિલોમીટર) જેટલી રેન્જ આપે છે.  આ નાનું ફાયર એન્જિન માત્ર ૨.૪ મીટર લાંબું છે અને એમાં સંપૂર્ણ એલઈડી લાઇટિંગ અને હાઇડ્રોલિક બ્રેક્સ છે જે માત્ર ૩ મીટર (૧૦ ફુટ)ના અંતરે અટકી જાય છે. અલીબાબા પર આપવામાં આવેલા વર્ણન મુજબ આ ફાયર ટ્રકમાં બે નાનાં અગ્નિશામક ઉપકરણો, ૬૦ મીટર લાંબી અગ્નિશામક નળી અને અન્ય કેટલાંક સાધનો છે જે સામાન્ય આગનો સામનો કરવામાં મદદ કરે છે.

પહેલી નજરે રોબેટા ફાયર ટ્રક જેવી નથી લાગતી, એ સત્ય હોવા છતાં એ સાવ નિરુપયોગી નથી. મોટા ફાયર ટ્રક સાંકડી ગલીઓમાં પહોંચી શકતી નથી. આવામાં આ ફાયર ટ્રક મદદે આવી શકે છે. વધુમાં અગ્નિશામકની તાલીમ વિના પણ એનો ઉપયોગ કરી શકાય છે.

offbeat news international news