21 September, 2024 10:16 AM IST | Spain | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
યે શાદી નહીં હો સકતી, બૉલીવુડની ફિલ્મોમાં લગ્નના માંડવે આ સંવાદ બોલાય અને લગ્ન તૂટી જાય, પણ સ્પેનમાં તો આનો બિઝનેસ ચાલી રહ્યો છે. એટલે કે લગ્ન તોડવાનો ધંધો ચાલી રહ્યો છે. એક લગ્ન તોડવાની ૪૭,૦૦૦ રૂપિયા જેટલી કિંમત લેવાય છે. અર્નેસ્ટો રેનારેસ વેરિયા નામનો માણસ મૅરેજ-ડિસ્ટ્રૉયર છે. દો દિલોં કા મિલનમાં ફાચર મારવાનો આ ધંધો એક રમૂજને કારણે શરૂ થયો હોવાનું અર્નેસ્ટો કહે છે. તેણે કહ્યું કે તેણે મજાક ખાતર ઑનલાઇન જાહેરાત આપી હતી. અર્નેસ્ટોએ એમાં લખ્યું હતું કે ‘તમારે લગ્ન નથી કરવાં, પણ ના કેવી રીતે પાડવી એ ન સમજાતું હોય તો ચિંતા કરવાની જરૂર નથી, હું તમારાં લગ્નમાં વાંધો પાડીશ અને લગ્ન તોડાવીશ.’ આ માટે તેણે ૫૦૦ યુરો એટલે કે ૪૭,૦૦૦ રૂપિયાની કિંમત પણ લખી હતી. આ જાહેરાતનો જબરદસ્ત રિસ્પૉન્સ મળશે એવી તેને આશા નહોતી, પણ તેના ઇનબૉક્સમાં વર-કન્યાઓની લગ્નો તોડવા માટે ઢગલાબંધ અરજીઓ આવી. અત્યારે તેની પાસે ડિસેમ્બર સુધીનાં લગ્નો તોડવા માટેનું બુકિંગ છે.