10 August, 2024 02:25 PM IST | Jharkhand | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ઝારખંડના જમશેદપુરમાં જાણે કોઈ ફિલ્મનો પ્લૉટ હોય એવો કિસ્સો બન્યો છે. અવિનાશ પ્રસાદે ઘરે જવા માટે રિક્ષા કરી હતી. રિક્ષામાં એક બાળકીનો ફોટો જોઈને અવિનાશપ્રસાદ ચોંકી ગયો. તેણે એ બાળકી વિશે પૂછ્યું તો ડ્રાઇવરે કહ્યું કે તેની ભાણીનો ફોટો છે. મુસાફર જવાબ સાંભળીને વીફર્યો અને તાડૂક્યો કે આ તેની ભાણી નથી, પોતાની સાડાત્રણ વર્ષ પહેલાં મૃત્યુ પામેલી દીકરી છે. એ સાંભળીને ડ્રાઇવર પણ ચમક્યો. બન્ને વચ્ચે દલીલ થઈ પછી ઉગ્ર ચર્ચા ચાલી. છેવટે મુદ્દો પોલીસ પાસે પહોંચ્યો. અવિનાશ પ્રસાદના કહેવા પ્રમાણે ફોટોમાં દેખાતી બાળકીનો ચહેરો તેમના દીકરાના ચહેરાને મળતો આવે છે અને એટલે આ બાળકી એ રિક્ષાચાલકની ભાણી નહીં, પરંતુ પોતાની દીકરી છે, જેને નર્સિંગ હોમના સ્ટાફે મૃત્યુ પામેલી જાહેર કરી હતી. આ ઘટના પછી દંપતીએ નર્સિંગ હોમ સામે ચાઇલ્ડ ટ્રાફિકિંગનો આરોપ મૂક્યો છે.
વાત એમ છે કે અવિનાશ પ્રસાદની પત્ની સંગીતા ૨૦૨૦માં સગર્ભા હતી. સિદગોડાના નર્સિંગ હોમમાં ડિલિવરી માટે દાખલ થઈ અને ૨૦૨૧ની ૭ જાન્યુઆરીએ જોડિયાં બાળકો પુત્ર-પુત્રીને જન્મ આપ્યો હતો, પરંતુ ડૉક્ટરે દીકરી મૃત જન્મી હોવાનું કહ્યું. પુત્રના જન્મથી રાજી થયેલું દંપતી પુત્રીના મૃત્યુથી દુખી થયું હતું. દંપતીએ નવજાત દીકરીનો મૃતદેહ માગ્યો, પરંતુ નર્સિંગ હોમે આપ્યો નહોતો અને ડૉક્ટરો પર વિશ્વાસ મૂકીને વાત આગળ ન વધારી. જોકે આ ઘટના પછી અવિનાશ પ્રસાદ અને સંગીતા નર્સિંગ હોમ પાસેથી પુત્રી પાછી માગી રહ્યાં છે.