13 October, 2021 12:39 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
૭૨ વર્ષના પતિએ પત્ની માટે ચારે તરફ ફરતું ઘર બાંધ્યું
બોસ્નિયાના ઉત્તર ભાગમાં એક વિશિષ્ટ બાંધકામ લોકોનું ધ્યાન આકર્ષી રહ્યું છે. એક પ્રેમી પતિએ તેની પ્રેમિકા પત્ની માટે તાજમહલ જેવું તો નહીં, પણ એક અપૂર્વ પ્રેમસ્મારક તૈયાર કર્યું છે.
૭૨ વર્ષના વોજિન ક્યુસિક નામના પતિએ તેમની પ્રિય પત્ની જુબિકા માટે જમીનથી વેંત ઊંચું અને ગોળ-ગોળ ફર્યા કરતું મકાન તૈયાર કર્યું છે. આ ઘરમાં સુંદર બાલ્કની છે અને લાલ રંગના મેટલમાંથી બનેલું છાપરું છે.
ક્યુસિકનું કહેવું છે કે તેની પત્નીને હરતાંફરતાં રહેવું ગમે છે. તેની એ ઇચ્છા પૂરી કરવા માટે મેં આવું ઘર બનાવવાનું નક્કી કર્યું.
વર્ષો પહેલાંથી ક્યુસિકની પત્ની કહ્યા કરતી કે આપણો બેડરૂમ સૂર્ય ઊગતો હોય એ તરફ હોવો જોઈએ. ઘરની બારીમાંથી ઘરની આગળનો ભાગ પણ દેખાવો જોઈએ. અંતે નિવૃત્તિ થઈ ક્યુસિકભાઈએ બધું જ નવેસરથી ગોઠવવાનું નક્કી કર્યું અને ગોઠવ્યું પણ એવી રીતે કે આખું ઘર સતત ફર્યા કરે અને તમામ પરિવારજનોને, ખાસ તો પત્નીને બારીમાંથી જુદાં-જુદાં દૃશ્યો જોતાં રહેવાનો લહાવો મળે.
અંતે ક્યુસિકભાઈ મજાક કરતાં કહે છે કે હવે મારી પત્ની બારીમાંથી જોશે કે કોઈ ન ગમતા મહેમાન આવી રહ્યા છે, તો તે તરત ઘરને ફેરવી નાખી શકે છે.