28 October, 2022 09:41 AM IST | Bangkok | Gujarati Mid-day Correspondent
બુઆ નોઇ નામની ગોરીલા
થાઇલૅન્ડની સરકારના ઍનિમલ રાઇટ્સ ગ્રુપ પેટા તથા પૉપસિંગર ચેર દ્વારા બુઆ નોઇ નામના ગોરીલાને કેદમાંથી મુક્ત કરવા માટે ૨૦૧૫થી અરજી કરવામાં આવી રહી છે, જેનો પાટા શૉપિંગ મૉલ તરફથી ઇનકાર કરવામાં આવી રહ્યો છે. આ ગોરીલા હાલમાં ૩૩ વર્ષની છે અને એની આખી જિંદગી કેદમાં વીતી છે.
પ્રાણીપ્રેમીઓ થાઇલૅન્ડમાં એક બંધ પડવાને આરે આવેલા ડિપાર્ટમેન્ટલ સ્ટોરના ઉપરના માળ પર આવેલા નાના અને કાટવાળા ધાતુના નાના ગંદા પાંજરામાં કેદ રહેલી ગોરીલાને ઝૂમાંથી મુક્ત કરાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ ઝૂના માલિકો એને માટે મોટી રકમની માગણી કરી રહ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ ઝૂના માલિકો બુઆ નોઇને ૭ લાખ પાઉન્ડ (લગભગ ૬.૬૭ કરોડ રૂપિયા)માં વેચવા સંમત થયા હતા, પણ પછીથી તેમનો વિચાર બદલાયો હતો. બુઆ નોઇના નામનો અર્થ છે ‘લિટલ લોટસ’. થાઇલૅન્ડના પ્રાકૃતિક સંસાધન અને પર્યાવરણ ખાતાના પ્રધાન થેનેટપોલ થાનાબુનિયાવતે જણાવ્યું કે મંત્રાલય બુઆને મુક્ત કરવા ભંડોળ એકત્ર કરવા વિવિધ ફન્ડ-રેઇઝિંગ કાર્યક્રમોનું આયોજન કરતું હોવા છતાં બુઆ નોઇને મુક્ત કરવા ઝૂના માલિકોને ચૂકવવાપાત્ર ભંડોળ ઊભું કરી શકાયું નથી.